રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદો જાણે એકબીજાના પૂરક બની ગયા હોય તેમ એક બાદ એક વિવાદો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે આવી રહ્યા છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખરડાઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ પ્રશ્ને આજે રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો અને શિક્ષણ વિભાગનું બેસણું યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NSUIના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી રાજકીય અખાડો બન્યું: આ અંગે રાજકોટ NSUI નેતા રોહિતસિંહ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોનું બેસણું કરીને વિરોધ પ્રદર્શન કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક દિવસોથી ભ્રષ્ટાચાર કૌભાંડો અને વિવાદોથી ઘેરાયેલી છે. જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણનું સ્તર દિવસેને દિવસે કથળી રહ્યું છે.
'બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતે સત્તાના જોર જૂથવાદ અને કિન્નાખોરી રાખીને એકબીજાને પાડી દેવાના ખેલ યોજી રહ્યા છે. જેના કારણે યુનિવર્સિટીને અને શિક્ષાના ધામને રાજકીય અખાડો બન્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનોમાં શૈક્ષણિક ખર્ચ માટે યુનિવર્સિટી પાસે એક પણ ગ્રાન્ટ પૈસો પણ નથી.' -રોહિતસિંહ રાજપૂત, NSUI
કાયમી કુલપતિની નિમણુક કરવામાં આવે: રોહિત રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી કરાર આધારિત પ્રોફેસરોની ભરતી અટકી પડી છે. તેમજ લાંબા સમયથી પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી પણ હજુ સુધી કરવામાં આવી નથી. જેના કારણે આજે NSUI દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક પ્રશ્નો છે અને વિદ્યાર્થી લક્ષી કોઈપણ કાર્ય થતું નથી. યુનિવર્સિટી માત્રને માત્ર રાજકીય અખાડો બની ગયો છે અને પોત પોતાના આર્થિક રોટલા પદાધિકારીઓ દ્વારા શેકવામાં આવી રહ્યા છે. જેના કારણે અમારી માંગ છે કે યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવે.