રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. એવામાં આ યોજનાનો ઠેર ઠેર શિક્ષકો અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં NSUI દ્વારા સરકારની જ્ઞાન સહાય યોજના અંતર્ગત શિક્ષકોની ભરતીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે વિરોધના ભાગરૂપે સાઇકલ રેલી પણ યોજવામાં આવી હતી. NSUI સાયકલ રેલી દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ત્યારબાદ પોલીસે 10 જેટલા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
વિરોધ માટે સાયકલ રેલી યોજવામાં આવી: રાજકોટમાં NSUIના કાર્યકરો એવા પાર્થ બગડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હાલમાં સરકાર ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા યોજી રહી છે. એવામાં જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે એટલે કે શિક્ષકોને 11 માસ સુધી દાળિયા હોય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો વિરોધ NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે સરકારે શિક્ષકોનો માત્ર ઉપયોગ જ કરી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે NSUIના કાર્યકરો દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા વિવેકાનંદ સ્ટેચ્યુ ખાતેથી સાયકલ રેલી યોજી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન પોલીસે અંદાજે 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે".
પોલીસ દ્વારા ઉગ્ર બોલાચાલી થઈ: NSUI દ્વારા સાયકલ રેલી યોજી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એવામાં વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. ત્યારે ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ સર્જાઇ હતી. જ્યારે પોલીસે પણ 10 જેટલા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ અલગ અલગ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે રાજકોટમાં NSUI દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.