રાજકોટ: ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની ઢીલી કામગીરી હોય અથવા તો ગુનાહિત પ્રવૃતિ કરનારાઓને કાયદાનો કોઈ જ ડર ના હોય તેમ અહિયાં છેલ્લા ઘણા સમયથી ગંભીર પ્રકારના ગુનાઓનો ક્રાઇમ રેટ ખૂબ જ ઝડપીથી વધી રહ્યો છે. એક બાદ એક મારામારી, ફાયરિંગ અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જીવનમાં કારકિર્દી બનાવવાની અને અભ્યાસ કરવાની ઉંમરમાં હત્યા કરનાર 19 વર્ષીય યુવાકે હત્યા કરીને 29 વર્ષના માતા-પિતાના એકના એક પુત્રની તેમજ બહેનના એકના એક ભાઈની હત્યા કરી નાખતા માતા પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે. જ્યારે બહેને પોતાનો એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર પર જાણે આભ ફાટી ચૂકી હોવાનું સામે આવ્યું છે.
"હત્યાની ઘટના બાદ મૃતક આશિષના પિતાએ જણાવ્યું છે કે, બે દિવસ પહેલા આશિષના ચહેરાના હાવભાવથી તે મને ચિંતામાં હોય તેવું લાગતું હતું. જેથી મે તેને પૂછતા તેણે કહ્યું કે, મારે વિનય હિતેશ ધામેચા (કોળી) સાથે માથાકૂટ થઈ છે. તેથી પિતાએ આશિષને કોઈની સાથે માથાકૂટમાં ન પડવા સલાહ આપી હતી. આ સાથે હોસ્પિટલમાં હાજર અન્ય વ્યક્તિઓ પાસેથી પિતાને જાણવા મળ્યું કે, આશિષ અને વિનય વચ્ચે થોડા દિવસ પહેલા ઉપલેટાની કોલેજ પાસે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.--(નાથાભાઈ ગોવિંદભાઈ ભાદરકા મૃતકના પિતા)
રીલ્સ બનાવવાની તકરાર: આ ઘટનામાં વધુ એક ઉમેરો થતાં ઉપલેટા શહેરમાં જિમ જતા બે મિત્રો વચ્ચે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતી રીલ્સ બનાવવાની બાબતે થયેલી તકરારમાં મામલો હત્યા સુધી પહોંચી ગયો છે. એક યુવકે બીજા યુવકની છરીના 19 ઘા ઝીંકી ઝીમ પાસે જ હત્યા કરી નાખીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ હત્યાની ઘટનામાં વિડીયો બનાવાની બાબતમાં થોડા જ દિવસ પૂર્વે થયેલી તકરારમાં ઉપલેટા શહેરમાં રહેતા 29 વર્ષીય આહીર આશિષ નાથાભાઈ ભાદરકા નામના યુવકની તેમની જ સાથે જીમમાં આવતા જીમ મિત્ર અને ઉપલેટામાં રહેતા 19 વર્ષીય કોળી વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા નામના યુવકે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે.
પાસ શરૂ કરવા માટેની સૂચના: ઉપલેટા શહેરમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવાની ઘટના સામે આવતા તુરંત યુવકને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ હત્યા અંગેની જાણ થતા જ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા અને આ અંગેની જાણ થયા બાદ પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ઉપલેટા શહેરમાં થયેલી હત્યાની ઘટના અંગેની જાણ થયા બાદ જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા પણ ઉપલેટા ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતની તપાસ તપાસ શરૂ કરવા માટેની સૂચનાઓ આપી હતી.
"હત્યાની ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઉપલેટા શહેરના નક્ષત્ર કોમ્પલેક્ષમાં એક યુવકે બીજા યુવકની છરીના ઘાં ઝીંકી હત્યા કરી નાખી છે. જેમાં થોડા દિવસ પૂર્વે આ બન્ને યુવકો વચ્ચે બબાલ સર્જાઇ હતી જેમાં મૃતક અને હત્યા કરનાર વ્યક્તિ વચ્ચે બબાલમાં મારામારી પણ થઈ હતી જે બાબતનું યુવકને લાગી આવતા યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે અને હાલ હત્યા કરનાર વ્યક્તિ પોલીસ શકંજામાં છે અને સમગ્ર બાબતે ઉપલેટા પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે."--(રોહિતસિંહ ડોડીયા – DYSP, જેતપુર ડિવિઝન)
ઊંડાણપૂર્વક તપાસ: હાલ અભ્યાસ કરવાની અને કારકિર્દી બનાવવાની ઉંમરમાં હત્યા કરનાર વિનય ઉર્ફે સુજુ ધામેચાએ અન્ય એક યુવકની હત્યા કરી નાખતા ઉપલેટા તેમજ આસપાસના પંથકમાં ભારે ચકચાર મચી ગયો છે. તો બીજી તરફ મૃતક યુવકની હત્યા બાદ યુવકના પરિવાર તેમજ સમાજની અંદર શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. ઉપલેટા શહેરમાં બનેલી આ ઘટના બાદ પોલીસે હત્યા કરનાર 19 વર્ષીય યુવકને ગણતરીની કલાકોમાં જ પોલીસ સકંજામાં લીધો છે. સમગ્ર બાબતે પૂછતાછ તને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં દાખલ થયેલી પોલીસ ફરિયાદમાં 19 વર્ષીય યુવક વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર પંથકની અંદર ચકચાર મચી જવા પામ્યો છે અને આ ઘટનામાં પોલીસના સકંજામાં આવેલા યુવકની વધુ વધુ પૂછતાછ અને તપાસ કરવા ઘટના સ્થળ પર યુવકને સાથે રાખી ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી છે.