રાજકોટઃ કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોના વહારે આવ્યા છે. કાંધલ જાડેજાએ ખેડૂતો માટે પિયતના પાણીની વ્યવસ્થા કરી આપી છે. આ માટે તેમણે સ્વખર્ચે 3,41,250 રૂપિયાની રકમ પણ ભરી દીધી છે. જેમાં ભાદર-2 ડેમમાંથી ખેડૂતો માટે આગામી દિવસોમાં પાણી છોડવામાં આવશે.
100 જેટલા ગામોને મળશે સિંચાઈનો લાભ: ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવા માટે કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈ વિભાગમાં પૈસા ભરીને ખેડૂતો માટે ફરી મદદનો હાથ લંબાવ્યો છે. આ પાણી કુતિયાણા, રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે પિયતના પાણીની વ્યવસ્થા ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી આપી છે. કુતિયાણા અને રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે પોતાના સ્વખર્ચે 3.40 લાખ રૂપિયા કરતાં વધારે પૈસા ભરી દેતા પાણી છોડાશે અને ભાદર ડેમમાંથી પિયત માટે ખેડૂતોએ કોઈ પૈસા નહીં કરવા પડે. આ પાણીથી ભાદર નદી કાંઠાના ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ અને માણાવદર તાલુકાના 100 જેટલા ગામોને રવિ પાક માટે સિંચાઈનો લાભ થશે.
ભાદર-2 ડેમમાંથી પાણી છોડવા માટે ભર્યા પૈસા: છેલ્લા બાર વર્ષથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ઘેડ પંથક હોય કે પોરબંદરથી ધોરાજી સુધીના લાખો ખેડૂતો માટે સિંચાઈ પિયતનો ફાયદો થાય તે માટે ધોરાજી ભાદર સિંચાઈ વિભાગની ઓફિસ ખાતે રૂપિયા આપીને ભાદર-2 ડેમમાંથી સિંચાઈ પિયતનુ પાણી છોડાવી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોએ આવીને 3.41 લાખ રૂપિયાથી વધારે રૂપિયા ધોરાજી સિંચાઈ વિભાગની ઓફિસ પર તેમના આ પૈસા ભર્યા છે.
ખેડૂતો અને પશુપાલકોને ફાયદો: આ પાણી છોડાવાથી ખેડૂતોને તો સારો ફાયદો થશે પણ માલધારીઓને પણ ફાયદો થશે અને ખાસ કરીને પશુપાલકોમાં સારો એવો ફાયદો જોવા મળશે. ચોમાસા દરમિયાન પાણીની વ્યવસ્થા હતી પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ કામગીરી હાથમાં લીધી છે ત્યારથી આ વિસ્તારના ખેડૂતોને સારો એવો ફાયદો મળી રહ્યો છે જેને લઇને ખેડૂતોને પશુપાલકોમાં ખુશીઓનો પણ માહોલ જોવા મળશે.
ઘેડ પંથક સહિતના અનેક વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પિયતનુ પાણી ભાદર-2 ડેમમાંથી છોડવા માટેના રૂપિયા ભરવામા આવ્યા હતા. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દર વર્ષની જેમ આ વર્ષે પણ માગ્યા વગર સમયસર ખેડૂતોને ખુશી મળે તે માટે વરસાદ આવ્યો કે વરસાદ ન આવ્યો હોય તેમ છતાંય સમયસર ઘેડ પંથક હોય કે પોરબંદરથી ધોરાજી સુધીના ખેડૂતોના હજારો હેક્ટર ખેત જમીન માટે સિંચાઈ પિયતનો લાભ થાય તે માટે કાંધલ જાડેજા લાખો રૂપિયા સિંચાઈ વિભાગ ઓફીસ પર રૂપિયા આપીને ભાદર-2 ડેમમાંથી પાણી છોડાવી ઘેડ પંથક સહિત અન્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પિયતનો લાભ આપી રહ્યા છે ફરીવાર રૂપિયા સિંચાઈ વિભાગ ઓફીસ પર ભરી દેવામાં આવ્યા છે અને હવે આવતા દિવસોમાં આ ડેમમાંથી પાણી છોડવામા આવશે.