રાજકોટ: રાજકોટમાં આવેલ ઉપલેટા તાલુકામાં બુટલેગરોના આતંકના કારણે મારામારીની ઘટના બની છે. જેમાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતી હોવાની ખુલ્લી રાવ સાથે સમસ્ત ગામ બંધ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. અચોક્કસ મુદત માટે ગામ બંધ કરી પોલીસની ઢીલી નીતિનો ભાંડો ફોડ્યો છે.
પોલીસ મિલીભગત: ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મેરવદર ગામમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને દાદાગીરી સામે સમસ્ત ગામ સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ મિલીભગત હોય તેવું જોવા મળી રહ્યું છે. જિલ્લા પોલીસ કામગીરીથી નારાજ થઈને સમસ્ત ગામ અચોક્કસ મુદત માટે બંધ રાખી આવેદનપત્ર પાઠવી આવી પહોંચ્યું હતું. જ્યાં આસપાસના વિસ્તારમાં દારૂબંધી નહીં થાય ત્યાં સુધી સમસ્ત ગામ બંધ રાખશે તેવી પણ હઠ લેખિતમાં કરી છે.
"ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન નીચે આવતા મેરવદર ગામમાં છેલ્લા ઘણા સમય થયા દેશી અને ઈંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ અમુક શખ્સો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અંગે ભાયાવદર પોલીસ તથા એસ.પી.ને અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. ઉપરાંત આ દારૂ વહેંચવા પાછળ પોલીસ ભ્રષ્ટાચાર હોવાનું અમારૂ માનવું છે. -- મનસુખભાઈ કથીરિયા (સરપંચ, મેરવદર ગામ)
પોલીસની બેજવાબદારી: સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં દારૂના ધંધાર્થીઓ એક સંપ કરી ગામના ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા કરી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે પોલીસે અગાઉ સાવચેતી રાખી હોત તો આ બનાવ જ ના બનત. પોલીસની બેજવાબદારી અને ભ્રષ્ટાચારી નીતીને કારણે આ બનાવ બનવા પામેલ છે તેવું જણાવ્યું છે. હજુ પણ ગામમાં ગેરકાયદેસર દેશી અને ઈંગ્લીશ દારૂનું વેચાણ ચાલુ છે. ત્યારે મેરવદર ગામ સંપૂર્ણ બંધ રાખી આ દારૂનો અડાનો વિરોધ કરી આવેદનપત્ર આપી માંગણી કરી છે.
"ગામમાં પટેલ સમાજના વાંધા વિવાદને લઈને મે પોલીસ ફરિયાદ નથી નોંધાવી. પરંતુ દારૂની બાબતે જ માથાકૂટ થઈ છે. મારામારી થઈ છે તેવી બાબતમાં જ મી નિવેદન નોંધાવ્યું છે. અને તેવું પોલીસને જણાવ્યું હતું છતાં પણ પોલીસ દ્વારા આ બનાવને બદલે બીજા મુદ્દાને લઈને પોલીસ ફરિયાદ શ માટે દાખલ કરવામાં આવી તેને લઈને પણ તેઓ અચરજ પામ્યા છે"-- વિજયસિંહ ઈન્દુભા વાળા (ફરિયાદીનો ટેલીફોનીક સંપર્ક )
દારૂનું વેચાણ: મેરવદર ગામમાં માથાભારે શખ્સો દારૂનું વેચાણ કરતા હોય કોઈ તેની સામે કંઈ થતું નથી. ઉપરાંત જ્યારે આ ગેરરીતિ અંગે કોઈ છુપી રીતે પોલીસને બાતમી આપે છે. તો આ બાતમી દરનું નામ આ બુટલેગરો પાસે પોલીસ દ્વારા પહોંચાડવામાં આવે છે. તેવી ખુલ્લી રાવ કરવામાં આવી છે. જેમને કારણે ગામના લોકો ઉપર ખુલ્લેઆમ જીવલેણ હુમલો થાય છે. જેથી આવા માથાભારે લોકોને કાયદાનું ભાન કરાવવા યોગ્ય પગલા લેવા માંગણી કરાઈ છે.
"મેરવદર ગામ બનેલી ઘટના બાદ હાલ પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. હાલ આ મામલે એક વ્યક્તિની ભાયાવદર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સાથે જ અન્ય વ્યક્તિઓની શોધખોળ શરૂ કરીને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલામાં અન્ય વ્યક્તિને ઝડપી લેવા માટેની પણ પોલીસ દ્વારા તજવીજ શરૂ કરી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. -- રજની ભીમાણી (ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ)
બાતમી આપનારનું નામ: અહી સવાલ એ થાય છે કે, પોલીસ દારૂની બાતમી આપનારનું નામ બુટલેગર સુધી કઈ રીતે પહોંચે છે. તે બાબતે પણ પોલીસની કામગીરી અને કાર્યવાહી પર સવાલોના શિખરો ચોક્કસ ઊભી થાય છે. પરંતુ અહિયાં છેલ્લા ઘણા સમયથી આ બધા ખુલ્લેઆમ ચાલે છે. બુટલેગર દાદાગીરી ચલાવતો હોય તેમજ પોલીસની કોઈ પકડ ના હોય અને રજામંદી હોય તેમ દાદાગીરી અને વેચાણ થતું હોવાનું ગ્રામજનોની ઘણા સમયથી રાવ છે. પરંતુ સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ યોગ્ય કાર્યવાહી નથી તેવું જણાવે છે. જેના પરિણામે આ ચોથી ઘટના છે. જેમાં બુટલેગરોની દાદાગીરી છે. ખુદ સરપંચે પણ આ અંગે સ્થાનિક અને જીલ્લા પોલીસમાં અરજી કરી છે છતાં કાર્યવાહી નથી.
ખનીજ સહિતના રેડ: આ બાબતો પરથી અહીં સ્ટેટ મોનીટરીંગ સેલ ઉપલેટા તાલુકા વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ, જુગાર, ખનીજ સહિતની રેડ કરે તો ઘણા અધિકારીઓ, કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાંડા અને રજામંદી ખૂલે તે હકીકત છે. ત્યારે અહી હાલ તો આ ઘટના બાદ થોડા સમય માટે સમસ્ત તાલુકા વિસ્તારમાં અનલીગલ કામો બંધ કરાવી દેવાશે. બાદમાં ફરી થોડા જ સમયમાં ફરી શરૂ થશે તેવી પણ ચર્ચા થાય છે. ત્યારે અહિયાં ગાંધીનગરની ટીમ દ્વારા દારૂ, જુગાર, ખનીજ સહિતના રેડ થવી જોઈએ તેવું જાગૃત નાગરિકો ઇચ્છી રહ્યા છે.