રાજકોટ: જેતપુર શહેરમાં આગામી તારીખ 12 માર્ચના રોજ ઠાકોર સમાજના આઠમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન પ્રસંગની આમંત્રક કંકોત્રીમાં દારૂના દૂષણને દૂર કરવા માટેની અનોખી પહેલ કરી કંકોત્રીમાં જ કડક સૂચના આપવામાં આવી છે. અહિયાં દારૂના દૂષણને દૂર કરવા માટે કંકોત્રીમાં સૂચનાનો અનોખો પ્રયત્ન પણ શરૂ કર્યો છે. આ સમૂહ લગ્નની કંકોત્રીમાં આપવામાં આવેલી કડક સુચનાની બાબતને લઈને સમૂહ લગ્ન સમિતિના આગેવાન હિતેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તેમના સમાજ દ્વારા છેલ્લા દસ વર્ષથી વ્યસન મુક્તિની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લગભગ 80% સુધારો આવી ગયો છે.
કામગીરીને બિરદાવતા: અમારા સમાજમાં નાના પ્રસંગો અને નાના પાયે સમૂહ લગ્નનું આયોજન થાય છે. પરંતુ અન્ય સમાજની અંદર મોટા પાયે સમુહ લગ્નનું આયોજન થાય છે. આ આયોજનમાં મોટા પ્રમાણની અંદર દારૂનું દુષણ થતું જોવા મળતું હોય છે. ત્યારે અન્ય સમાજના લોકોને પ્રેરણા સ્વરૂપ અને નવીનતા લેવા માટેનો તેમના દ્વારા આ અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવું જણાવવામાં આવ્યું છે. તેમના દ્વારા કરવામાં આવેલી આ પહેલને ઠેર-ઠેર પસંદ કરવામાં આવી રહી છે. સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ આ કામગીરીને બિરદાવતા હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે--સમૂહ લગ્ન સમિતિ આયોજક હિતેશ ઠાકોર
આયોજકો દ્વારા સ્પષ્ટ: જેતપુર ખાતે યોજાઇ રહેલા સમૂહ લગ્નની અંદર આમંત્રણ પત્રિકામાં આયોજકો દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. કે સમુહ લગ્ન મહોત્સવમાં દારૂ પીને નહી આવવું. જો કોઈ દારૂ પીને આવશે. તો તેમને રૂપિયા ₹500 નો દંડ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. વધુમાં તેમને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ વર પક્ષના કે કન્યા પક્ષના વ્યક્તિઓ દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવશે.
₹5,000 નો દંડ: તો તેઓને કરિયાવર નહીં સોંપવામાં આવે તેમજ તેમને રૂપિયા ₹5,000 નો દંડ પણ કરવામાં આવશે. તેવી પણ કડક સુચના કંકોત્રીમાં જ આપવામાં આવી છે. આ સાથે જ તેમને જણાવ્યું છે કે તેમનો આ કંકોત્રીમાં ઉલ્લેખ કરવાનો હેતુ સમાજ, ગામ અને પરિવારોને વ્યસન મુક્ત કરવા અને દૂષણથી દૂર રાખવા માટેનો પ્રયત્ન છે. જેમાં સૌ કોઈ લોકો ખૂબ સારો સાથ અને સહકાર આપી રહ્યા હોવાનું પણ જણાવે છે. આ પ્રયત્નથી લોકો નશાથી અને દૂષણથી દૂર રહેશે તેવું પણ જણાવ્યું છે.