રાજકોટ: રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ માંથી મુસાફરોના મોબાઈલ ચોરતા શખ્સને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે ઝડપાયેલા શખ્સ ઉપર રાજ્યના અલગ અલગ શહેરોમાં ચાર જેટલા ગુનાઓ પણ નોંધાયા છે. આ શખ્સ જ્યારે મુસાફરનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢતો હતો તે સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં પણ કેદ થઈ હતી. જેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ શખ્સની ધરપકડ કરી છે. તેમજ આ મામલે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સીસીટીવીના આધારે તપાસ: રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર ભરમાંથી આવતા મુસાફરોની અવરજવર રહેતી હોય છે. એવામાં ગત તારીખ 8-6-2023ના રોજ બસ સ્ટેન્ડમાંથી મોબાઇલ ચોરાયો હોવાની ફરિયાદ રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી. ત્યારે આ મામલે આરોપીની પોલીસ શોધખોળ કરી રહી હતી. જેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સે પર શંકા જતા તેને પકડી પાડ્યો હતો. ત્યારે સીસીટીવીના આધારે આ શખ્સ ઝડપાયો હતો.
"ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતી ગુનાખોરી પ્રવૃત્તિને ડામવા માટે અને નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ ગુન્હાખોરી ડામવા માટે સત્તત પેટ્રોલિંગ કરી રહી છે. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને મળી હતી કે, શહેરના રેલ્વે જંકશન વિસ્તારમાં મોબાઇલ ચોરીનો એક શંકાસ્પદ ઈસમ જોવા મળી રહ્યો છે. જ્યારે પોલીસે તેને સીસીટીવીના આધારે પકડી પાડ્યો હતો"--પોલીસ સૂત્રો
ચાર જેટલા ગુન્હાઓ: રાજકોટ બસ સ્ટેન્ડ માંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સ એવા રાજકુમાર નારાયણ નોનીયા નામના શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેના ઉપર અગાઉ રાજ્યના ભરૂચ, રાજકોટ, ગોધરા અને સુરત જેવા શહેરોમાં ફરિયાદ નોંધાયેલી છે. તેમજ હાલ તે સુરતમાં રહે છે અને કાપડના વ્યવસાય સાથે સંકળયેલ છે. જ્યારે આ શખ્સનું મૂળ વતન ઝારખંડના સાહેબગંજ વિસ્તાર છે. આ શખ્સ દ્વારા રાજકોટ બસ સ્ટેન્ડમાં જ્યારે મોબાઇલની ચોરી કરવામાં આવી હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. એવામાં આ સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે અને મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.