રાજકોટ: મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ જાણે બેફામ બની હોય તેમ છાસવારે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ત્યારે સિટી બસ દ્વારા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના આનંદ બંગલા ચોક અને ગોંડલ બ્રિજ વચ્ચે એક્ટિવા લઈને જતી એક યુવતીને સિટી બસે અડફેટે લીધી હતી. જેને પગલે વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને વાહનચાલકોએ સિટી બસ ઉપર પથ્થરમારો કરીને બસમાં તોડફોડ કરી હતી.
સિટી બસે સર્જ્યો અકસ્માત: આજે સવારના સમયે શહેરના આનંદ બંગલા ચોક નજીક પુરપાટ આવી રહેલી સિટી બસ દ્વારા એક્ટિવાચાલક યુવતીને ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે આ યુવતી 20 ફૂટ દૂર જઈને પડી હતી. યુવતી ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બસચાલકની બેદરકારીને કારણે વાહનચાલકો રોષે ભરાયા હતા અને બસ ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે રસ્તા વચ્ચે થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
CCTV સામે આવ્યા: આનંદ બગલા ચોક નજીક અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ માલવિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ તે પહેલા જ બસમાં સ્થાનિકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત દિપાલી બરેડીયા નામની યુવતીને હાલ હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ યુવતી ઘરેથી લોટ દળાવવા માટે ઘંટીએ જઈ રહી હતી. તે દરમિયાન સિટી બસ દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. બીજી તરફ અકસ્માતના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. જે મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.