- સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મહિલાઓ સક્રિય
- સરદાર ધામની મહિલાઓએ ટ્વીટર પર રજૂઆત
- સક્ષમ મહિલાને ઉમેદવારોને ટિકિટ આપવાની માગ
રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યોગ્ય મહિલા ઉમેદવારને ટિકિટ આપવા માટે રાજકોટની પાટીદાર મહિલાઓ દ્વારા માગ કરવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોને સોશિયલ મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સક્ષમ મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની પણ ઉગ્ર માગ કરવામાં આવી છે. રાજકોટ સરદાર ધામની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગોપાલ ઇટાલીયા વિવિધ પક્ષોના આગેવાનોને ટ્વિટ કરીને યોગ્ય મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવી રજૂઆત
રાજકોટના સરદાર ધામ ખાતે પાટીદાર સમાજની મહિલાઓએ ભેગા થઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ પક્ષોને યોગ્ય મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે. જેને લઈને સોશિયલ મીડિયા એટલે કે ટ્વિટર મારફતે તમામ પક્ષના આગેવાનોને અપીલ કરવામાં આવી છે કે, તેમના પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને સક્ષમ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે, તેમજ સમાજને સારું પ્રતિનિધિત્વ મળે તે માટે સક્ષમ મહિલાને ઉમેદવારોને ટિકિટ આપવાની ઉગ્ર માગ સરદારધામની પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવી છે.
![સ્થાનિક સ્વરાજની ચૂંટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-election-patidar-avb-7202740_03022021132701_0302f_1612339021_323.jpg)
મહિલા પ્રતિનિધિના તમામ વહીવટી કામ તેમના પતિ કરે છે : બાંમભણીયા
આ મામલે સરદાર ધામના મહિલા આગેવાન શર્મિલા બાંમભણિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલા સરપંચથી લઈને મહિલા કોર્પોરેટર સુધીના તમામ મહિલા આગેવાનોને વહીવટી કામો મહિલાઓના પતિ દ્વારા જ કરવામાં આવતા હોય છે. તેને લઈને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સક્ષમ અને શિક્ષિત તેમજ સમાજમાં સારું પ્રતિનિધિત્વ કરી શકે તેવી મહિલાઓને ટિકિટ આપવામાં આવે છે. જેથી કરીને સમાજમાં એક ઉદાહરણ પણ આપી શકાય, જેને લઇને હાલ વડાપ્રધાન મોદીથી લઇને તમામ રાજકીય પક્ષના આગેવાનોને સરદાર ધામની મહિલાઓ દ્વારા ચૂંટણીમાં સારા મહિલા ઉમેદવારો ટિકિટ આપવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.
![સ્થાનિક સ્વરાજની ચૂંટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-election-patidar-avb-7202740_03022021132701_0302f_1612339021_994.jpg)