રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની રાજધાની એવા ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશનની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આવકાર્યો છે.
સરકારના નિર્ણયને આવકાર્યો: કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગિફ્ટ સિટી મામલે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને હું આવકારું છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો આવે છે. જેના માટે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર અને સુરત માટે વિચારણા - રાઘવજી પટેલ
સૌરાષ્ટ્ર અને સુરતમાં પણ દેશ વિદેશના વેપારીઓ વેપાર માટે આવતા હોય છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે દારૂની છૂટ અપાતાં રાજ્યના વિવિધ શહેરોમાં માંગ ઊઠી છે. જેમાં મોરબી, રાજકોટમાં અને સુરત ડાયમંડ બુર્સના ઉદ્યોગકારો દ્વારા પણ દારૂબંધી અંગે માગ ઊઠી છે. અંગે પણ કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે અન્ય જગ્યાએ ઉઠેલી માગ અંગે સરકાર વિચારણા કરશે. નોંધનીય છે કે આ મુદ્દે વેપારને પ્રોત્સાહન મળી શકે છે. જેથી આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
ગિફ્ટ સિટીમાં દારૂમુક્તિ: ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં દારૂને લઈને પરમીટ જાહેર કરી છે. જેમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને કંપની જેને પરવાનગી આપે તેવા મુલાકાતીઓને વાઇન & ડાઈનની સુવિધા આપવાની જાહેરાત કરી છે. ગિફ્ટ સિટીની અંદરની હોટેલમાં વાઇન સર્વ કરી શકાશે પણ અહી દારૂની બોટલની વેચાણ કરી શકાશે નહી તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.