રાજકોટ: જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે તેમના ક્વાર્ટરમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનું આરોપીઓના નામ સાથેનું નિવેદન અને આવેદન બંને પોલીસને આપ્યું હતું. છતાં હજુ કોઈ સામે પોલીસે ગુન્હો નોંધ્યો નથી. જેથી તપાસનીશ અધિકારી આરોપી કોન્સ્ટેબલોને છાવરી રહી હોવાના આક્ષેપ સાથે કોળી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.
ક્વાર્ટરમાં પોતાનું જીવન ટૂંકાવ્યું: જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે પોતાનાં ક્વાર્ટરમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે આવા ગંભીર બનાવમાં પોલીસ કાર્યવાહી વગેરે તુરંત જ આટોપી લીધું હતું. થોડા દિવસ પૂર્વે મૃતક કોન્સ્ટેબલનો બસ સ્ટેન્ડના જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણે 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવી હતી. આપઘાત કરતા પૂર્વે કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કર્યો હતો. આપઘાત કરવા જઈ રહી છે તેની આ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની માહિતી પણ સામે આવી છે.
મૃતકના પિતાની હાજરીમાં એક બેઠક: મૃતકના પરિવારે જ્ઞાતિજનોને સાથે રાખી એસપીને રજુઆત કરતા આ અંગે તપાસ સોંપાઈ છે. આ તરફ કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા જેતપુર ગયા હતા. જ્યાં તેને જેતપુર ડિવિઝનના ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયા તેમજ જેતપુર સિટી પીઆઈ. અજીતસિંહ હેરમા સાથે જેતપુર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનોએ મૃતકના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી.
ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત: કોળી સમાજના આગેવાન દ્વારા અભય સિંહ જાડેજા, મનદીપસિંહ જાડેજા અને વિપુલ ટીલાળા નામના ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો છે. આ ત્રણેય સામે ગુન્હો નોંધી તેઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. સાથે જ એવું પણ જણાવ્યું હતું કે જો ગુન્હો નોંધવામાં નહિ આવે તો કોળી સમાજ દ્વારા ગામે ગામ આવેદનપત્ર આપી આંદોલન કરવામાં આવશે.