- રાજકોટ શહેરમાં તોડબાજ પત્રકારોનો આતંક
- સ્પાના સંચાલક પાસેથી દોઢ લાખની કરી હતી માગ
- ગાંધીગ્રામ પોલીસે કુલ 6 આરોપીઓની કરી ધરપકડ કરી
રાજકોટ: શહેરમાં પત્રકાર બનીને તોડ કરવા નીકળેલા 6 લોકોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. સ્પા સંચાલક પાસે રૂપિયા દોઢ લાખની માંગણી કરવા બદલ ગાંધીગ્રામ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ગાંધીગ્રામ પોલીસની પૂછપરછમાં સ્પા કરાવ્યા બાદ પોતે પહેરેલી ચેઈન છૂપાવીને સ્પાના કર્મીઓ પર ચેઈન ચોરીનો આક્ષેપ કર્યો હતો અને બાદમાં રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં પ્રેસની ઓળખ આપી લૂંટ ચલાવતા 4 લોકોની ધરપકડ
પહેરેલી ચેઈન છૂપાવીને સ્પાના કર્મીઓ પર ચેઈન ચોરીનો આક્ષેપ
ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાેવલી ફરિયાદની તપાસ કરતા પોલીસે સ્પાના CCTV ફૂટેજ પણ ચેક કર્યા હતા. આરોપીએ પહેરેલી ચેઈન જાતે જ છૂપાવીને સ્પાના કર્મીઓ પર ચેઈન ચોરીનો આક્ષેપ કર્યો હતો અને બાદમાં રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓ દ્વારા સ્પામાં વીડિયો શૂટ કરીને સંચાલકોને "તમારું સ્પા કાયદેસર ચાલે છે કે ગેરકાયદે? તેમ કહીને ફરિયાદી પાસેથી રૂપિયા દોઢ લાખની માંગણી કરી હતી.
આ પણ વાંચો: વિશ્વભરમાં વર્ષ 2020માં કુલ 65 મીડિયાકર્મીઓની હત્યા: પત્રકાર સમૂહ
પત્રકાર તરીકેનું આઈ-કાર્ડ રૂપિયા 2500માં કાઢી આપવામાં આવતું હતું
પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેમણે N.N ન્યૂઝનું કાર્ડ બરોડાથી મેળવ્યું છે. પત્રકાર તરીકેનું કાર્ડ રૂપિયા 2500 લઈને કાઢી આપવામાં આવતું હતું. આરોપીએ અગાઉ કેટલી જગ્યાઓ પરથી લોકો પાસેથી નાણાં પડાવ્યા છે, તે અંગેની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક તત્વો મીડિયાના નામે તોડબાજી કરતા હોવાની માહિતી મળી રહી છે. એન. એન. ન્યૂઝના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપનારા આરોપીઓને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.