રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં થોડા સમય અગાઉ નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે આ જથ્થાની મૂળ કિંમત 70 લાખથી વધુની થવા પામી હતી.ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેમની વધુ પુછપરછ કરવામાં આવતા વડોદરાના બે શખ્સોના નામ ખુલ્યા હતા. ત્યારબાદ નશાકારક સીરપ જે સ્થળે બનાવવામાં આવતું હતું તે સ્થળે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
નશાકારક સીરપ કાંડ : મહારાષ્ટ્રના નંદુરબાર અને ભીવંડી ખાતે આ નશાકારક સીરપ બનાવવામાં આવતું હતું. જ્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા લોકલ પોલીસની મદદ લઈને દરોડો પાડવામાં આવ્યો હતો. હવે આ ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે. તેમજ તેમાં રહેલા સીરપના જથ્થાને એફએસએલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રણ આરોપી ઝડપાયા : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ DCP પાર્થરાજસિંહ ગોહિલે આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંદાજિત 73 હજાર જેટલી નશાકારક સીરપની બોટલો પકડી પાડવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપીઓની ધરપકડ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના અલગ અલગ જિલ્લાઓનો મુખ્ય સપ્લાયર પણ પોલીસને હાથ લાગ્યો હતો. આ મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું કે, અહીંના નાના મોટા નશાકારક સીરપના ડીલર કોણ હતા, તેમની પાસે કયા વિસ્તારમાંથી આ નશાકારક સીરપ રાજકોટ ખાતે આવ્યું હતું.
મહારાષ્ટ્ર કનેક્શન : DCP એ વધુમાં જણાવ્યું હતું કે, આ નશાકારક સીરપ મહારાષ્ટ્ર ખાતે બનાવવામાં આવતું હતું. ત્યાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને નંદુરબાર અને ભવંડી આ બંને જગ્યાએથી નશાકારક સીરપ બનાવતી ફેક્ટરી અને તેનું રો મટીરીયલ મળી આવ્યું હતું. જ્યારે આ નશાકારક સીરપ બનાવવા માટેના વિવિધ પ્રકારના કેમિકલ સહિતની વસ્તુઓ મળી આવી છે. તેને એફએસએલમાં મોકલવામાં આવી છે.
ગોડાઉનમાં અંદાજે દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ હતો. તે તમામ મુદ્દામાલને ત્યાં જ સીલ કરવામાં આવ્યો છે. આ મામલે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરવામાં આવી છે. આ નશાકારક સીરપનો ધંધો વડોદરાનો નિતીન અજીતભાઈ કોટવાણી અને મહારાષ્ટ્રનો અનિલ ચૌધરી નામનો શખ્સ ચલાવતા હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.-- પાર્થરાજસિંહ ગોહિલ (DCP, ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ)
ભાજપ કાર્યકર્તા સામેલ ? પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા 8 મહિનાથી નશાકારક સીરપનો જથ્થો રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવતો હતો. જ્યારે આ ગુનામાં અંદાજે 10 જેટલા લોકો સામેલ છે. જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આ નશાકારક સીરપ કાંડમાં ભાજપના એક કાર્યકર્તાનું નામ પણ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે.
FSL રિપોર્ટ : જોકે પોલીસ દ્વારા આ નશાકારક સીરપના મુખ્ય ડીલરો તેમજ નાના મોટા ડીલરો સહિતના આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ નશાકારક સીરપમાં મુખ્યત્વે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો તેને લઈને પોલીસ દ્વારા હવે એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.