રાજકોટ: રવિવારે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ છે ત્યારે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના હાર્દ એવા રંગીલા રાજકોટની. અહી એક માતા પોતાના ત્રણ સંતાનોના પાલન માટે ઇ-રીક્ષા ચલાવે છે. અત્યાર સુધી મોટા ભાગે પુરુષો જ ડ્રાઇવિંગના વ્યવસાયમાં જોવા મળતા હતા પરંતુ આજે સ્ત્રીઓ પણ આ વ્યવસાયમાં આગળ પડતી જોવા મળી રહી છે. રાજકોટની કાજલ નામની મહિલા પોતાના ત્રણ સંતાનોના પાલન માટે હાલ ઇ-રીક્ષા ચલાવે છે અને પોતાના પતિને પણ આર્થિક મદદ કરે છે.
નારી સશક્તિકરણનું ઉદાહરણ: હાલ કાજલ બેન રાજકોટની વિવિધ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીને ઘરેથી સ્કૂલ અને સ્કુલથી ઘરે લેવા મૂકવામાં જાય છે. જેમાં તેઓ મહિને અંદાજિત 7થી 8 હજારની કમાણી કરે છે. પોતાના બાળકોની સ્કૂલ ફી સહિતનો ખર્ચો પૂરો કરે છે. રીક્ષા ચલાવતા સમયે તે પોતાની બાળકીને પણ સાથે રાખે છે કારણકે તેનું ધ્યાન રાખવા માટે ઘરે કોઈ સભ્ય હાજર નથી હોતું. જેના કારણે કાજલબેન પોતાની પુત્રી સાથે રાખીને રીક્ષા ચલાવે છે.
'હું છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી આ રીક્ષા ચલાવું છું. જેમાં હું લોકલ ફેરા પણ કરું છું અને સાથે સાથે સ્કૂલની વર્ધી પણ કરું છું અને લોકોના ઘરનું કામ પણ કરું છે. પિંક રિક્ષા લેવા માટે મને નિલેશભાઈ કોઠારીએ મદદ કરી હતી. જેમના ઘરે હું ઘરનું કામ કરવા માટે જતી હતી. તેમને મને ઇ રીક્ષા લેવા માટે પ્રોત્સાહિત કરી હતી અને ત્યારબાદ મેં રીક્ષા લીધી હતી. નિલેશભાઈ કોઠારી સાથે હું અન્ય પાંચ જેટલા લોકોના ઘરે હું ઘરકામ માટે જાઉં છું અને રીક્ષા પણ ચલાવું છું. મારી પુત્રી જે હાલ બાલમંદિરમાં અભ્યાસ કરે છે તેને ઘરે કોઈ રાખવાવાળું નથી તેના માટે હું રીક્ષાના ફેરા કરતી વખતે તેને સાથે જ રાખું છું.' -કાજલબેન, મહિલા રિક્ષાચાલક
પતિ-પત્ની ચલાવે છે રીક્ષા: કાજલબેને વધુમાં જણાવ્યું હતું કે મારા પતિ પણ સીએનજી રીક્ષા ચલાવે છે અને હું હવે ઇ-રીક્ષા ચલાવું છું. જેમાં મને મહિને 8 હજાર જેટલા રૂપિયા રીક્ષા ચલાવવાથી મળી જાય છે. કાજલબેને અન્ય મહિલાઓને મેસેજ આપતા જણાવ્યું હતું કે પગભર થવા માટે રીક્ષા ચલાવી એમાં કાંઈ ખોટું નથી અને હું મારા પરિવારને આર્થિક સ્થિતિ માટે આ પીંક રીક્ષા ચલાવું છું. ઉલ્લેખનીય છે કે કાજલ બેન છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી આ ઇ-રીક્ષા ચલાવી રહ્યા છે. ત્રણ સંતાનોનું પાલન કરી રહ્યા છે. એવામાં આ માતાના પકતાના સંતાનો માટેના સંઘર્ષને જોઈને લોકો પણ અચંબિત થઈ જાય છે.