રાજકોટ: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના રૂદ્ર પેથાણીએ 1થી 8 ડિસેમ્બર સુધી થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલ 20મી ઇન્ટરનેશનલ જૂનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું હતું. ઇન્ટરનેશનલ જૂનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ભારતને 5 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ મળ્યા છે. આ ઓલમ્પિયાડ માટે ભારતમાંથી 6 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં હતી. જેમાં પાટણવાવ ગામના રૂદ્રને ગોલ્ડ મેડલ મળતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
'આ ખુશીની ક્ષણ પેથાણી પરિવાર તથા ભારત માટે ગૌરવની ક્ષણ છે. રૂદ્રએ તેના પિતા ડો. કૌશિક પેથાણી તથા માતા ડો. હીના પેથાણી અને સમગ્ર પરિવારની સાથે સાથે પાટણવાવ, ગુજરાત અને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. ' - પ્રવિણભાઈ પેથાણી, સરપંચ
ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિયાડ કાર્યક્રમ માટે દેશનું નોડલ કેન્દ્ર હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE) છે. જે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા માટે ભારતીય ટીમ માટે 13થી 15 વર્ષની વચ્ચેના વિદ્યાર્થીઓની પસંદગી કરી ટ્રેનિંગ આપે છે.