રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. થોડા દિવસો અગાઉ શ્વાનના હુમલાના કારણે એક બાળકીનું મોત થયું હતું. ગઈકાલે પણ શ્વાન દ્વારા વધુ એક બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બાળકને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વારંવાર આ પ્રકારના હુમલાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં અંતે સ્થાનિકોએ જાતે જ શ્વાન પકડવાનું શરૂ કર્યુ છે.
તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહિ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં શ્વાને બાળકીને કરડી ખાધા બાદ અહીં એક બાદ એક બાળકો અને લોકોને શ્વાન કરડવાની ઘટના સામે આવી રહી છે. જેને પગલે સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. જંગલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિકો આજે એકઠા થયા હતા અને રખડતા શ્વાનોને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા શ્વાનોને પકડવાની કામગીરી કરવામાં ન આવતાં અંતે સ્થાનિકોએ જ આ કામગીરી કરી હતી.
સ્થાનિકોએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અમે વારંવાર મનપા તંત્રને રજૂઆત કરી છે કે અમારા વિસ્તારમાંથી શ્વાનો પકડી જાવ પરંતુ કોઈ આવતું નથી. જેના કારણે અમે સ્થાનિકોએ જ આજ સવારથી શ્વાનો પકડવાની કામગીરી કરી છે. અત્યારે સુધીમાં 4 જેટલા શ્વાનોને પકડ્યા છે તેને હવે મનપા તંત્રને સોંપવામાં આવશે.