- રાજકોટમાં કોરોના વેક્સિન લેનારાને ગિફ્ટ આપવામાં આવી
- પુરુષોને હેન્ડ બ્લેન્ડર અને મહિલાઓને આપવામાં આવી સોનાની ચૂક
- 1300થી વધુ લોકોએ લાભ લઈને કોરોના રસી લીધી
રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં વધુમાં વધું લોકો કોરોના સામેની રસી મૂકાવે તેવા તંત્ર અને સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં અનોખો વેક્સિનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં સોની સમાજે કોરોના રસી મૂકાવતા લોકોને પ્રોત્સાહિત કરવા સોનાની ચૂક અને હેન્ડ બ્લેન્ડર આપી નવતર પ્રયોગ કર્યો હતો.
આ પણ વાંચો - રાજકોટ શહેરમાં બપોર સુધીમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા
બે દિવસમાં 1300થી વધુ લોકોએ આ ઓફરનો લાભ લઈને રસીકરણ કરાવ્યું
રાજકોટ સમસ્ત સોની સમાજના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 અને 3 એપ્રિલનાં શનિવારે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. કોઠારીયા નાકા કિશોરસિંહજી પ્રાથમિક શાળા ખાતે સવારે 9થી સાંજના 6 કલાક સુધી યોજાયેલા આ કેમ્પમાં શુક્રવારે 751 લોકોએ તેમજ શનિવારે 580 લોકોએ વેક્સિન લીધાનું નોંધાયું છે. કોરોનાની રસી મૂકાવવા માટે સમસ્ત સોની સમાજની 700 મહિલાઓને સોનાની ચૂક અને 631 પુરુષોને હેન્ડ બ્લેન્ડર આપી પ્રોત્સાહિત કર્યા હતા. માત્ર બે દિવસમાં 1300થી વધુ લોકોએ આ ઓફરનો લાભ લઈને રસીકરણ કરાવ્યું હતું.
આ પણ વાંચો - રાજકોટમાં કોરોના કેસમાં 24 કલાક દરમિયાન 13 લોકોના મોત
લોકોને પ્રોત્સાહન મળે તે માટે આગામી સમયમાં પણ વેક્સિનનો કેમ્પ યોજવામાં આવશે
સોની સમાજના અગ્રણીએ અરવિંદભાઈ પાટડીયા ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકોમાં પ્રોત્સાહન મળે તે હેતુથી અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોમાં અને ખાસ બહેનોમાં કોરોનાનો ડર નીકળી જાય અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લે માટે સ્પેશિયલ ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આગામી સમયમાં પણ કોરોના વેક્સિન માટે લોકોને પ્રોત્સાહન મળે તે માટે આગામી સમયમાં પણ વેક્સિનનો કેમ્પ યોજવામાં આવશે, તેમ સોની સમાજના અગ્રણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - રાજકોટના જાણીતા ભજનીક હેમંત ચૌહાણે કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો