- 22 વિધામાં ફ્લાવરનું વાવેતર કરવામાં આવ્યું છે.
- 8 થી 10 વિઘામાં સડી ગયેલ પાક પર રોટાવેટર ફેરવાયું
- ખુલ્લી બઝારમાં ભાવ પણ તળિયે બેસી ગયા
રાજકોટઃ તાજેતરના માવઠાએ સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. જેમાં યાત્રાધામ વિરપુરમાં કેટલાક ખેડૂતોએ શાકભાજીમાં ફ્લાવર અને કોબીજનું વાવેતર કરેલુ છે. જેના પર માવઠું થતા ફ્લાવરનો પાક બગડવા લાગ્યો અને ખુલ્લી બઝારમાં ભાવ પણ તળિયે બેસી જતા કેટલાક ખેડૂતોએ ઉભા ફ્લાવરના પાકમાં રોટાવેટર ફેરવી દીધું હતું.
![માવઠાના કારણે વિરપુરના ખેડૂતોને ભારે નુકસાન, ફલાવરના પાકમાં રોટાવેટર ફેરવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-virpur-khedut-sakbhaji-rotavetar-rtu-gj10022_17122020112546_1712f_1608184546_515.jpg)
હવામાન વિભાગે કરેલી અગાહી
હવામાન વિભાગે થોડા દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી અને આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતુ જેના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું, ધાણા, કપાસના પાકોમાં નુકશાનની તેમજ શાકભાજીનો પાક સડવાનીને બગડવાની ભીતિ સેવાઈ રહી હતી.
વીરપુરના ખેડૂત 22 વિઘામાં ફ્લાવરનું વાવેતર
આ ભીતિ યાત્રાધામ વીરપુરમાં સાચી ઠરી છે કેમ કે અહીં વર્ષોથી શાકભાજીની ખેતી કરતા કેટલાક માના એક ખેડૂત હરસુખભાઈ સાકરીયા જેઓએ કોબીજ તેમજ ફ્લાવરનું વાવેતર કરેલું હતુ જેમાં એકલા ફ્લાવરનું જ 22 વીઘા જેટલા ખેતરમાં વાવેતર કરેલુ આ ફ્લાવરને યોગ્ય પ્રમાણમાં ખાતર, દવા આપી સારી માવજત કરતા પાક પણ ખૂબ સારો થતાં ખેડૂતને ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકશાની આ શાકભાજીના સારા પાકથી સરભર થઈ જશે વસુલાય તેવું લાગતું હતું ત્યાં થોડા દિવસ પહેલા પડેલ માવઠાએ ખેડૂતની માઠી દશા કરી નાખી છે.
ફ્લાવરનો પાક બગળ્યો
એકબાજુ ખુલ્લી બઝારમાં ફ્લાવરનો ભરાવો થઈ ગયો જ્યારે વિધે પંદરેક હજારનો ખર્ચ કરીને વાવેલ શાકભાજીની ખુલ્લી બઝારમાં કોઈ લેવાલી જ ન રહી અને બીજી બાજુ માવઠાને કારણે ફ્લાવરનો પાક સડવા લાગતા ખેડૂત હરસુખભાઈએ ભારે હૃદયે 22 વિધાના ફ્લાવરના વાવેતરમાંથી અડધો પાક બચાવવા માટે 8 થી 10 વિઘામાં સડી ગયેલા પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું.