રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમજ શહેરીજનોને આરોગ્યસ્પ્રદ ખાવાનું મળી રહે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન શહેરના નામાંકિત ઈશ્વર ઘૂઘરાવાળાને ત્યાંથી 145 કિલો જેટલા અખાદ્ય ઘૂઘરાનો જથ્થો મળી આવ્યો હતો.
ઘૂઘરા આરોગતા પહેલા ચેતજો: ફૂડ વિભાગ દ્વારા ઈશ્વર ઘૂઘરાના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ઈશ્વરના ઘુઘરા પ્રખ્યાત છે. તેમજ ઈશ્વર ઘુઘરાની શહેરના નામાંકિત વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ બ્રાન્ચો પણ ચાલે છે. એવામાં ઈશ્વર ઘૂઘરાવાળાને ત્યાંથી 145 કિલો જેટલો અખાદ્ય ઘૂઘરા તેમજ ચટણીનો જથ્થો મળી આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
145 કિલો જથ્થો મળી આવ્યો: દરોડા દરમ્યાન ફૂડ વિભાગને ઘણી બધી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેમાં અનહાઇજેનિક રીતે સંગ્રહ કરેલી 20 KG જેટલી મીઠી ચટણી, તેમજ જે જગ્યાએ ઘુઘરા બનાવવામાં આવતા હતા તે જગ્યા ગંદકીયુક્ત જોવા મળી હતી. આ સાથે જ ઘુઘરાની ચટણીમાં કલરની ભેળસેળ કરવામાં આવતી હતી. 5 કિલો કલર યુક્ત લાલ ચટણી મળી આવી હતી. અખાદ્ય બાફેલા બટાકા, 60 KG ઘુઘરા બનાવવામાં ઉપયોમાં લેવાતું તેલ અને 40 kg કોથળા ઉપર સુકવેલા ઘૂઘરા મળી આવ્યા હતા. આમ કુલ 145 kg જેટલો ઘૂઘરાનો જથ્થો અને સામગ્રી મળી આવી હતી.
6 નમૂના લેવામાં આવ્યા: ફૂડ વિભાગ દ્વારા લાલ ચટણી તેમજ મીઠી ચટણી અને ઘૂઘરામાં ઉપયોગમાં લેવામાં આવતો મસાલો આ તમામ વસ્તુઓના નમુના લેવામાં આવ્યા છે. તેમજ તેને વધુ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. ઘૂઘરા ગંદકી યુક્ત જગ્યામાં બનાવવામાં આવતા હોવાથી ઈશ્વર ઘૂઘરા નામની પેઢીને આ અંગેની નોટિસ પણ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષોથી રાજકોટમાં ઈશ્વરના ઘુઘરા ખૂબ જ પ્રખ્યાત છે અને ઈશ્વરન ઘુઘરાની શહેરના નામાંકિત રોડ ઉપર બ્રાન્ચ પણ આવેલી છે.