અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની જોરદાર શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગે બુધવારથી વધુ પાંચ દિવસ સુધી વરસાદ પડે એવી આગાહી વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભરપુર વરસાદ થશે એવી સ્પષ્ટતા છે. બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, મંગળવારે ધોરાજીમાં વરસાદે તારાજી કરી નાંખી હતી. સતત પડેલા વરસાદને કારણે હાઈવેથી લઈ મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા.
21 જુલાઈ સુધી આગાહીઃ તારીખ 19 જુલાઈથી 21 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તથા દક્ષિણ ગુજરાતના વાપી, સુરત, ભરૂચ, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશરની એક સિસ્ટમ સક્રિય થઈ છે. જે પાંચ દિવસ સુધી સક્રિય રહેશે. મોનસુન ટ્રફ અને સાઈક્લોનિક સરક્યુલેશન જેવી પાંચ નાની-મોટી સિસ્ટમ એક્ટિવ થતા અમદાવાદ જિલ્લા સહિત રાજ્ય સતત આઠ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેની અસર છેક સુરત, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બુધવારથી 24 કલાક દરમિયાન ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ અમરેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સુત્રાપાડામાં સાંબેલાધારઃ સુત્રાપાડામાં દસ કલાકમાં 14 ઈંચ વરસાદ થતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક ખેતર બેટમાં ફેરવાયા છે. નીચાણવાળા વિસ્તાર તળાવમાં ફેરવાયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું છે. ગીર જંગલના વિસ્તારમાં વરસાદ થતા વેરાવળના હિરણ ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું.
ડેમના દરવાજા ખોલાયાઃ આ ડેમના 5 દરવાજા 3 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા હતા. 8502 ક્યુસેક પાણીની જાવક થઈ હતી. રાજકોટ પાસે આવેલા ધોરાજીમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ થયો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેતપુર રોડથી જુનાગઢ સુધીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જેના કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ચકલા ચોક, વોકાળા કાંઠા, પીર ખા કુવા ચોક જેવા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. મંગળવારે અમદાવાદમાં અધડાથી પોણો ઈંચ વરસાદ થયો હતો. રામોલ, બોપલ અને મક્તમપુરા વિસ્તારમાં રીતસરના પાણી મુખ્ય રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. જ્યારે શહેરમાં બેથી ત્રણ જગ્યાઓ પર મોટા ખાડા પડી ગયા હોવાના વાવડ છે.
સૂચનો આપવામાં આવ્યાઃ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. 18 જળાશય એલર્ટ અને 19 જળાશયને લઈને વૉર્નિંગ આપવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 71.31 ટકા વાવેતર થયું છે.
પ્લાન તૈયાર કરાયોઃ એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.