- કડવીબાઈ સંચાલિત વિમોહન બાલમંદિરમાં ફી મુદ્દે વાલીઓનો વિરોધ
- બાલમંદિર દ્વારા આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણ અંગે રજૂઆત
- 25 ટકા ફી રાહત નિયમનો શાળા દ્વારા અમલ કરવામાં આવ્યો નથી
રાજકોટઃ જિલ્લાની નામાંકિત અને વર્ષો જૂની કડવીબાઈ શાળા સંચાલિત વિમોહન બાલમંદિરમાં ફી મુદ્દે વાલીઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો. આજે શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ દોડી આવ્યા હતા અને ફી તેમજ બાલમંદિર દ્વારા આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણ અંગે રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆત હતી કે, કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા જે ફી અંગે 25 ટકા રાહત આપવામાં આવી છે. તે નિયમનો શાળા દ્વારા અમલ કરવામાં આવ્યો નથી.
ફિમાં 25 ટકા રાહત શાળા દ્વારા ન અપાઈ હોવાનો આક્ષેપ
વાલીઓ આજે મોટી સંખ્યામાં કડવીબાઈ શાળા ખાતે દોડી આવ્યા હતા. તેમજ શાળાના પ્રશાસનને રજૂઆત કરી હતી. જેમાં હજુ પ્રથમ સત્રની પૂરેપૂરી ફી વાલીઓ દ્વારા ભરવામાં આવી અને ત્યારબાદ તાત્કાલિક જ બીજા સત્રની પૂરેપૂરી ફી ભરવામાં આવે તેવો પરિપત્ર વાલીઓને શાળા દ્વારા આપવા આવ્યો હતો. જેને લઈને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને શાળા ખાતે મોટી સંખ્યામાં રજૂઆત માટે દોડી આવ્યા હતા અને શાળા સંચાલકોને રજૂઆત કરી હતી.
શાળા પ્રશાસન દ્વારા મીડિયાને કહેવાનો ઇનકાર
રાજકોટની કડવીબાઈ શાળામાં ફી મામલે વિવાદ સામે આવતા મીડિયા દ્વારા શાળામાં હાજર પ્રશાસનને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેમને આ અંગે કઈ બોલવાનો ઇનકાર કર્યો હતો. શાળા પ્રશાસન દ્વારા વાલીઓની રજૂઆત સાંભળવામાં આવી હતી અને આ અંગે શાળા મંડળ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે. તે વાલીઓને જણાવામાં આવશે તેવું જણાવામાં આવ્યું હતું.