- જેતલસર ગામમાં સગીર વયની યુવતીની કરાઇ હતી હત્યા
- ગોપાલ ઈટાલિયા પીડિત પરિવાની મુલાકાતે પહોંચ્યા હતા
- કસ્ટોડિયલ ડેથ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ છે: ગોપાલ ઈટાલિયા
રાજકોટઃ જિલ્લાના જેતલસર ગામમાં થોડા દિવસ પહેલાં જ સગીર વયની યુવતીને 28 જેટલા છરીના ઘા મારીને હત્યા નિપજાવવામાં આવેલી હતી. હત્યાના આરોપી જયેશ સરવૈયા દ્વારા યુવતીને લગ્ન કરવાનું કહેતા યુવતીએ લગ્નની ના પાડી હતી. જેને લઇને ઉશ્કેરાયેલા જયેશ સરવૈયાએ સગીરાની ઘાતકી હત્યા નીપજાવી હતી. આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આ ઘટનાને લઇને મૃત્યુ પામનારી યુવતીના પરિવારને સાંત્વના આપવા માટે રાજકોટ જિલ્લા જેતપુર તાલુકાના જેતલસર ગામે પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.
ગોપાલ ઈટાલિયા પોલીસ પર થયા આક્રોષિત
ગોપાલ ઈટાલિયા સરકાર અને પોલીસ પર આક્રોષિત થયા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર અને પોલીસ નામની ચીજ હોય તો કોઈ વ્યક્તિમાં આટલી હિંમત ક્યાંથી આવે છે કે, કોઈના ઘરમાં ઘૂસીને કરપીણ હત્યા કરી નાખે ? તેમણે એ પણ જણાવ્યું કે, ગામડાઓમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, ત્યારે ખેતી કરવા જતાં માતા-પિતાને ઘરે રહેલી એકલી દીકરીની ખૂબ ચિંતા થતી હોય છે. જે ચિંતાનો વિષય છે. આગળ તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના સ્કૂલો, કોલેજો, બસ સ્ટેશન જગ્યાઓએ અસામાજિક તત્વોનો ભયંકર ત્રાસ છે.
કસ્ટોડિયલ ડેથ મામલે ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા
કસ્ટોડિયલ ડેથ અંગેના ETV ભારતના સવાલનો જવાબ આપતાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, કસ્ટોડિયલ ડેથએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ છે. નિર્દોષ માણસ પોલીસના હાથે મરી જાય છે. જ્યારે દોષિતો ખુલ્લેઆમ ફરે છે, તેમણે જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો અને પજવણી કરનારાઓ બેફામ ફરી રહ્યા છે.
જયેશ રાદડિયાએ પણ લીધી પીડિત પરિવારની મુલાકાત
રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને રાજકોટ જિલ્લા SP દ્વારા પણ પીડિત પરિવારની મુલાકાત કરવામાં આવી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપીને કડક સજા મળે અને ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે. તેમજ મૃત્યુ પામનારી યુવતી સગીર વયની હોવાથી પોક્સો એક્ટ પણ લગાવવામાં આવ્યો છે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ દીકરીને ઝડપી ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.