રાજકોટ: ગોંડલ હાઈવે પર ફંડના બહાને ઉઘરાણી કરતી હિન્દી ભાષી યુવતીઓને ગોંડલ સીટી પોલીસે પકડી પાડી છે. કોટડા સાંગાણીના પીપલાણા નજીક દસ જેટલી હિન્દી ભાષી યુવતીઓ વાહન ચાલકોને ઉભા રાખી તેમની પાસે ફંડના બહાને ગેરકાયદે રૂપિયા પડાવતા વાહન ચાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.
ગોંડલ વિસ્તારમાં આવી કોઇ ગેરકાયદેસર કાર્યવાહી અટકાવવા એસપીએ સુચન કરતા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ હિન્દી ભાષી યુવતીઓ ગુંદાળા ચોકડીથી આગળ વાહનોને ઉભા રાખી ફંડના બહાને વાહન ચાલકો પાસેથી પૈસા ઉધરાવતી હોવાની માહિતી મળી હતી.
જેના આધારે પીઆઈ કે.એન. રામાનુજ પીએસઆઇ ડી.પી. ઝાલા, રાજભા ઝાલા, યુવરાજસિંહ જાડેજા તથા વુમન કોન્સ કોમલબેન ખાંભલાએ જગ્યાએ જઇ તપાસ કરતા પાંચ હિન્દીભાષી યુવતી માલા ઉમાશંકર બારોટ, સનુ શ્યામલાલ બારોટ, મનીષા રમેશભાઇ બારોટ, ચંચી શમનલાલ બારોટ, મંજુ રાજુભાઇ બારોટની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.