રાજકોટઃ શહેરમાં આગામી 24થી 28 મે દરમિયાન ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ગૌ ટેક 2023નું આયોજન કરાશે. ગ્લોબલ ફેડરેશન ઑફ કાઉ બેઈઝ્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાવવા જઈ રહ્યો છે. અહીં ગૌ આધારિત ઉદ્યોગોનો કેવી રીતે વધુ વિકાસ કરી શકાય. તેમ જ તેને પ્રોત્સાહન કેવી રીતે કરી શકાય તે હેતુથી એક્સપો પણ યોજાશે, જેમાં ભારત સહિત દેશવિદેશના ઉદ્યોગકારો અને ગૌ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ Youth 20 India: પર્યાવરણ સંરક્ષણ અંગે યોજાયેલી સમિટમાં 62 દેશના ડેલિગેટ્સ આવ્યા પણ CM નહીં
ભારતમાં પ્રથમ વખત યોજાશે આ સમિટઃ આ અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ કથેરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે દેશભરમાં પ્રથમ કહી શકાય એવો આ એક પ્રયાસ છે. આમાં રાજકોટમાં દેશભરમાં ગૌપાલકો, ગૌસેવકો, ગૌસંશોધકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેશે. જ્યારે આ ગૌ ટેક 2023 આ એક એવી સમિટ છે, જેમાં ગાયને લગતા, ગાય સાથે જોડાયેલા, ગાયના દૂધ, ગૌમૂત્ર, ગોબર તેમ જ ગાય સાથે જોડાયેલી મશીનરી સહિતના વિષય સાથે લોકો હવે ગાયને આર્થિક રીતે જોતા થાય. તેમ જ આર્થિક સમૃદ્ધિ મેળવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ગાયમાંથી આવક થાય તેવા પ્રયાસો કરાશેઃ રાજકોટમાં યોજાનારા આ અનોખા એક્સપોમાં ખાસ કરીને ગૌપાલકો, ગૌસેવકો તો આવશે જ, પરંતુ રોકાણકારો અને વિવિધ ઉદ્યોગોના લોકો પણ જોડાશે. તેમ જ એકબીજા સાથે આ લોકો કનેક્ટ થઈને ગાયના ગોબર, ગૌમૂત્ર એટલે કે, જે ગાય દૂધ નથી આપતી તેના ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરીને આવક મેળવી શકે. ઉપરાંત ગૌવંશ માટે કંઈક નવું કરી શકે અને લોકો પણ ગાયના ઉપયોગને સારી રીતે સમજી શકે. તેમાંથી આવક મેળવી શકે તેવા અનેક ઉદ્દેશ સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌપ્રથમ એવા રાજકોટમાં આ પ્રકારના અનોખા એસકપોમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ ગૌ શાળાના સંચાલકો, પૂર્વ ધારાસભ્યો સહિતના નેતાઓ પણ જોડાશે.