રાજકોટ: ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસેના મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ ઘોડાપૂરના કારણે ઉપલેટાના ગઢાળા ગામનો જે રાહદારીઓ તેમજ લોકો માટે ગામમાં આવન-જાવન માટેનો એકમાત્ર રસ્તો છે તે રસ્તો ધોવાણ થઈ છાતી સુધીના મસ મોટા ગાબડાઓથી ભરાઈ ચૂક્યો છે. જેના કારણે અહીંયાથી પસાર થતાં રાહદારીઓ વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને જીવનું જોખમ લેવું પડે છે તેવું પણ સામે આવ્યું છે.
'છેલ્લા 22 દિવસ કરતાં પણ વધારે સમયથી વરસાદી વાતાવરણના કારણે રસ્તા પરથી પાણી વહી રહ્યું છે. જેમાં ઘોડાપુર આવવાના કારણે રસ્તો સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે અને રસ્તામાં હાલ મસ મોટા ગામડાઓ પણ પડી ચૂક્યા છે પરિણામે આવન-જાવન કરતા લોકોને કાયમી પોતાના જીવનું જોખમ લઈને આ રસ્તા પરથી પસાર થવું પડે છે. તંત્ર દ્વારા આ રસ્તાનું વહેલી તકે સમારકામ કરી અને આ પડેલા ગાબડાઓ પુરવામાં આવે તેવી માંગ કરાય છે.' -નારણભાઈ આહીર, માજી સરપંચ
રસ્તાઓ અને કોઝવેના સમારકામની માંગ: નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ઉપલેટા ગઢાળા ગામનો કોઝવે જે મોજ નદી પર આવેલો છે તે સંપૂર્ણ ધોવાય ચૂક્યો છે અને મસ મોટા ગાબડાઓ પડી જતા અહીંયાથી પસાર થતા રાહદારીઓને પોતાનો જીવનું જોખમ લઈને પસાર થવું પડે છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે તંત્ર દ્વારા આ ખાડાઓ પૂરી અને કોઈ મોટી અકસ્માત કે દુર્ઘટના ન બને તે પહેલા સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે.
ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા: ઉપલેટા પંથકની અંદર આ વખતે ધોધમાર વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં આવેલા ડેમોની જળ સપાટીમાં એકાએક વધારો થઈ જતા ડેમોના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને સાથે જ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.