રાજકોટના જસદણ તાલુકાના સોમ પીપળીયા ગામની સીમમાં સરકારી ડેપોમાં વેંચાતા ખાતરની થેલીઓમાં હલકી ગુણવત્તાવાળું ખાતર ભરી ઓછી કિંમતના માલનો વધુ ભાવ લઈ અલગ-અલગ જગ્યાએ ગ્રાહકો તેમજ ખેડૂતોને વેચાણ કરતા હોવાની બાતમી પોલીસ વિભાગને મળી હતી. તેના આધારે જસદણ પોલીસ મથકના પીઆઈ વી.આર.વાણીયા, કોન્સ્ટેબલ ધુડાભાઈ સાકરીયા સહિતના સ્ટાફે દરોડો પાડી 843 થેલી ડુપ્લીકેટ ખાતર સાથે 7 શખ્સોની ધરપકડ કરી રૂ.14,59,615નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓ સરદાર ડીએપી અને એપીએસ ખાતરની બોરીઓમાં નિર્મલ પાવર ખાતર ભરી વેંચતા હતા. જસદણ તાલુકાના સોમ પીપળીયા ગામની સીમમાં ઈન્દુભાઈ ભાયાભાઈ સરૈયા પોતાની વાડીના મકાને પોતે અને ઈલ્યાસ હુસેનભાઈ ખીમાણી મજુરો રાખી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ કંપની દ્વારા ઉત્પાદિત સરદાર ડીએપી તેમજ સરદાર એપીએસ બ્રાન્ડની થેલીઓમાં ભરી પેક કરી ગેરકાયદેસર વેચાણ કરતા હતા.
આ અંગેની બાતમીના આધારે જસદણ પોલીસ મથકના પીઆઈ વી.આર.વાણીયા અને કોન્સ્ટેબલ ધુડાભાઈ સાકરીયા સહિતના સ્ટાફે રેડ કરી હતી. મુખ્ય સુત્રધાર ઈલ્યાસ હુસેનભાઈ ખીમાણી (રહે-આંબરડી), વાડી માલિક ઈન્દુભાઈ ભાયાભાઈ સરૈયા (રહે-સોમપીપળીયા), અરજણ સોમાભાઈ કળોતરા, કિરણ ભરતભાઈ ગાબુ, કલ્પેશ ભરતભાઈ ગાબુ, જયેશ વનરાજભાઈ ગાબુ, વાઘા આપાભાઈ ત્રમટા અને રાજુ જીલુભાઈ જળું (રહે બધા-સુદામડા,તા-સાયલા) મળી આવતા પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી આઈપીસી કલમ 420,482,485,467,471,120(બી) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 843 થેલી ડુપ્લીકેટ ખાતરની થેલી સહિતનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ મથકના પીઆઈ વી.આર.વાણીયા ચલાવી રહ્યા છે. નિર્મલ પાવરની ડીસાથી રૂ.330/- ના ભાવે ખરીદી કરી આ ખાતરની થેલીઓમાં હલકી ગુણવત્તાવાળું ખાતર જે સરકારી ડેપોમાં વેંચાય છે તે થેલીઓમાં ભરી ઓછી કિંમતના માલનો વધુ ભાવ લઈ અલગ-અલગ જગ્યાએ ગ્રાહકો તેમજ ખેડૂતોને વેંચાણ કરી ખેડૂતો અને ગ્રાહકો સાથે છેતરપીંડી કરી તેમજ હલકી ગુણવત્તાનું ખાતર મેળવી જે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપની દ્વારા ઉત્પાદિત સરદાર ડીએપી તથા સરદાર એપીએસ બ્રાન્ડની થેલીઓમાં મેળવી હતી.
તેમાં આ હલકી ગુણવત્તાવાળું ખાતર ભરી ખરા તરીકે ઉપયોગ કરી નિર્મલ પાવરની ખાતરની થેલી નંગ-653 કિંમત રૂ.6,36,675ની તથા ડીએપી લખેલ ખાતરની થેલી નંગ-182 કિંમત રૂ.1,62,500 તથા સરદાર એપીએસ લખેલી થેલી નંગ-8ની કિંમત રૂ.7840 તેમજ આયશર કિંમત રૂ.4,00,000 અને યુટીલીટી પીક અપ બોલેરો ગાડી કિંમત રૂ.2,50,000, સિલાઈ મશીન કિંમત રૂ.2500, દોરાની રીલ કિંમત રૂ.100 મળી કુલ કિંમત રૂ.14,59,615 ના મુદ્દામાલ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ઈલ્યાસ હુસેનભાઈ ખીમાણી છેલ્લા દોઢ વર્ષથી આ મિલાવટનો ધંધો કરતો અને છેલ્લા 15 દિવસ પહેલા તેની પાસે જગ્યા ન હોવાથી વાડી માલિક ઈન્દુભાઈ ભાયાભાઈ સરૈયાને સાથે રાખી આ કારસ્તાન ચલાવતો હતો. આ બન્ને શખ્સો ડીસાથી રૂ.330 ના ભાવે નિર્મલ પાવરની ખાતરની થેલીઓ મંગાવી રૂ.1250ના ભાવે ગ્રાહકો અને ખેડૂતોને વેંચતા હોવાનું તપાસમાં ખુલ્યું હતુ.