રાજકોટ: રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ભય ન હોય તે પ્રકારે ગુનાઓ આચરી રહ્યા છે. શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક ભાજપના યુવા નેતા અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ સોરઠિયાએ સામાન્ય બાબતે ફાયરિંગ કર્યું હતું. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. જ્યારે ફાયરિંગની ઘટના બનતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરિંગના આરોપી તેમજ અન્ય શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી હતી. હાલ આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ફાયરિંગ પાછળનું કારણઃ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાત્રિના સમયે શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા યુરિનલ પાસે ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર કરણ સોરઠીયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કરણ સોરઠીયા શૌચાલયમાં યુરીન કરવા માટે ગયા હતા. પરંતુ યુરીનલ બંધ હતું. જેના કારણે શૌચાલયના સંચાલક સાથે કરણની માથાકૂટ થઈ હતી. તે દરમિયાન તેણે બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે, આ મામલે ક્રાઈમ બ્રાંચના DCPએ મોટી ચોખવટ કરી દીધી છે.
શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક ડિલક્સ પાન પાર્લર સામે એક શૌચાલયની અંદર એક ભૈયાજી રહે છે. તેની સાથે કરણ રાજુભાઈ સોરઠીયાને ઝઘડો થયો હતો. જે મામલે બંને વચ્ચે મારામારી થઈ હતી. જેને લઇને ડિલક્સ પાન પાર્લરના વનરાજભાઈ અને દેવરાજભાઈ ત્યાં જતાં આ મામલો વધ્યો હતો. આ ઘટનામાં આરોપીએ ફાયરિંગ કર્યું હતું. હાલ આ તમામના ટેસ્ટ કરવામાં આવશે કે તેઓ નશામાં હતા કે કેમ અને ત્યારબાદ વધુ કાર્યવાહી કરાશે.--- પાર્થરાજસિંહ ગોહિલ (DCP, રાજકોટ ક્રાઇમબ્રાન્ચ)
કરણની અટકાયત: ફાયરિંગની ઘટનાને લઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ કરણ સોરઠીયાની અટકાયત કરી હતી. પરંતુ શૌચાલયમાં યુરીન કરવા જેવી બાબતે ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરમાં જાહેરમાં ભડાકા કર્યાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભક્તિનગર સર્કલ પાસે એક શખ્સે જાહેરમાં ભડાકા કર્યા હતા. તો બીજી તરફ પાર્કિંગ કરવા જેવી બાબતો અંગે પણ મોટી માથાકુટ થયેલી હોવાના પુરાવા છે.
શું કહે છે પ્રમુખઃ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોષીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, કરણ સોરઠીયા હાલ કોઈપણ હોદ્દાપર નથી, જ્યારે આ મામલે કાયદો કાયદાનું કામ કરશે.