રાજકોટ: ધોરાજીના ખેડૂતોએ વર્તમાન સમયની ખેડૂતની પરિસ્થિતિ અને ખેતપેદાશોના ભાવો બાબતમાં સરકાર સમક્ષ પોતાની વ્યથા પહોંચાડવા અનોખી રીત અપનાવી છે. અહીંના ખેડૂતોએ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મેળવવા માટે અનોખો વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોતાની વ્યથા ઠાલવી પોતાના ખેતરમાં સમાધિ લઈને ઈચ્છા મૃત્યુની માંગ કરી હોવાનું સામે આવ્યું છે.
પોષણક્ષમ ભાવ નથી મળતો: આ બાબતે ધોરાજીના ખેડૂત જીતેસ વઘાસિયાએ જણાવ્યું છે કે આજે એક પણ જણસીનો પૂરતો અને પોષણક્ષમ ભાવ નથી મળતો. ખેડૂતો જ્યારે પોતાની ડુંગળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે જાય છે ત્યારે ખેડૂતોને ડુંગળી વેચ્યા બાદ વાહન ભાડાનો પણ ખર્ચ પ્રવર્તો નથી, ઉપરાંત મજૂરી ખેતી ખર્ચ બિયારણ ખર્ચ દવાઓનો ખર્ચ આ બધો ખર્ચ તો એક બાજુ રહી જાય છે જેમાં ખેડૂતો નફો મેળવવાને બદલે દેવાના ડુંગરમાં ડૂબી રહ્યા છે.
ઈચ્છા મૃત્યુની માંગ: વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાની પાસે રહેલા દાગીનાઓ મૂકી અને ખેતી માટેનો ખર્ચ કરતા હોય છે, પરંતુ આ ખર્ચ અને ઉછીના લીધેલા નાણા માટે કોઈ રસ્તો ભેગો કરી શકતા નથી તેથી સરકારને વિનંતી કરી છે કે, ખેડૂતો માટે મદદ કરે અને તેમને દેવાના ડુંગરમાંથી બચાવે. આ સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે સરકાર અમારી માંગને ધ્યાનમાં લ્યે અને અમને પૂરતો ભાવ અપાવે. આજે ખર્ચની સામે આવક નથી થતી જેને લઈને તેમના દ્વારા ખેતરમાં સમાધિ લઈને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.
ખેડૂતો બેહાલ: ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયની અંદર ખેડૂતો જ્યારે ખેતી કરી રહ્યા છે ત્યારે મોંઘવારીના પગલે ખેડૂતોને આર્થિક પુરતો લાભ થતો નથી. વર્તમાન સમયની મોંઘવારીને ધ્યાનમાં લેતા ખેડૂતોને ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતા મોંઘા ભાવના બિયારણ, મોંઘા ખેતી ખર્ચ, ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોના ઉપયોગમાં લેવામાં આવતું ડીઝલનો ભાવ, મોંઘા ભાવની જંતુનાશક, દવાઓ મોંઘા ભાવનું ખાતર આ ઉપરાંત મોંઘી મજૂરી બાદ જણસી તૈયાર થાય છે.
પોષણક્ષમ ભાવ મળે તેવી માગ: આ બધું પૂર્ણ થયા બાદ ખેડૂતો જ્યારે જણસી વેચવા જાય છે ત્યારે વાહન ભાડું પણ વધી રહ્યું છે અને અંતમાં આટલો ખર્ચ કર્યા બાદ ખર્ચ પરવડે તેવા ભાવ નથી મળતા. આ ઉપરાંત નુકસાની વેચવાનો વારો આવે છે જેથી સરકારને અને કૃષિ મંત્રીને તેમના દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે કે ખેડૂતોને પોષણક્ષમ અને પૂરતો ભાવ આપવામાં આવે. અન્યથા ખેડૂતો જમીનમાં દટાઈ જશે તેઓ જણાવ્યું છે અને સાથે જ જો સરકાર કંઈ ન કરી શકે તો ઇચ્છા મૃત્યુની પણ માંગ કરવામાં આવી છે.