ભાયાભાઇ ગાગલીયા ઉપલેટામાં રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું ઘર ચલાવે છે. ગુરુવારે તેઓ પોતાનું બાઈક લઇને ઉપલેટાના પોરબંદર રોડ ઉપર આવેલી સિયારામ હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેના જ સગા સાઢુભાઈ વિજય કરસનભાઈ સોલંકી અને વિજયના પિતા કરસનભાઈ અરસીભાઈ સોલંકીએ ભાયાભાઇનું બાઈક આંતરીને બેેરેહમી પૂર્વક કુહાડીના 22 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયત્ન કર્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયો જોતા જ અરેરાટી વ્યાપી જવા પામી હતી.
સમગ્ર ઘટનાની જાણ ભોગ બનનાર ભાયાભાઇની માતાને ભાયાભાઇ સાથે જઈ રહેલા કલ્પેશ નામના વ્યક્તિએ કરી હતી, જાણ થતા જ ભાયાભાઇના માતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાયાભાઇને જાહેરમાં ક્રૂરતા પૂર્વક મારનાર તેમનો જ સગો સાઢુભાઈ હતો. સમાજમાં ભાઈઓ કરતા પણ વિશેષ સંબંધ સાઢુભાઈઓ વચ્ચે હોય છે, ભાયાભાઇના સાઢુભાઈ વિજયે શા માટે તેમને આટલી ક્રૂરતા પૂર્વક માર્યા તે જોવાનું હતું. ભાયાભાઇ અને વિજય બંનેના ઘરમાં સગી બહેનો હતી, ભાયાભાઇની પત્નીને તેના માવતરમાં જવું ગમતું ન હતું અને જ્યારે ભાયાભાઇની પત્ની તેના માવતર જાય ત્યારે વિજયની પત્ની અને આ બંનેની સાસુ ભાયાભાઇની પત્નીને હેરાન કરતા અને માર પણ મારતા હતા.
બંને સ્ત્રીઓને લઇને આ બંને સાઢુભાઈઓ વચ્ચે 2 થી 3 વર્ષ જેટલા લાંબા સમયથી ઝગડો ચાલતો હતો. જે આ હુમલાનું કારણ બન્યું હતું. જેને લઇને હાલ ભાયાભાઇ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાય છે.