- આજે મહાશિવરાત્રી, રાજકોટના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી
- વહેલી સવારથી જ ભક્તો શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
- કોરોના ગાઈડલાઈનના પાલમ સાથે ઉજવણી
રાજકોટઃ હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દેશના અલગ અલગ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રાજકોટમાં પણ શિવજીના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે કોરોનાની મહામારી વચ્ચે મંદિરોમાં પણ પ્રશાસન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થાઓ ભક્તો માટે ગોઠવવામાં આવી હતી. શિવજીના ભક્તો પણ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શન માટે અલગ- અલગ શિવાલયોમાં જોવા મળ્યા હતા.
રામનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર દેખાયું
ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે મધ્યમ અને ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ બગડી છે. જ્યારે આખું વર્ષ કોરોનાને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે 2021નું વર્ષ સારું જાય તેમજ કોરોનાની મહામારી વહેલાસર દેશમાંથી દૂર થાય જેને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન માટે આવ્યા હતા. જેને લઈને રાજકોટના સ્વયંભૂ મહાદેવ રામનાથ મહાદેવના મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આ સાથે જ મંદિરમાં દર્શન સમયે કોઈ અનિચ્છનિય બનાવનો માટે તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કતલખાનાઓ બંધ રાખવા મનપાનો આદેશ
આજે ગુરુવારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા મહાશિવરાત્રીના દિવસે રાજકોટ મનપા દ્વારા શહેરના અલગ- અલગ વિસ્તારમાં આવેલા કતલખાનાઓને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરમાં માંસ, મચ્છી, મટન સહિતની વસ્તુઓ પણ વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ જો આ નિયમને જે કોઈ પાલન નહીં કરે તેની સામે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવાની પણ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સૂચના અપાઇ છે.
આ પણ વાંચો : ભવનાથ મહાદેવ મંદિર પર ધર્મ ધજાનું આરોહણ કરીને મહાશિવરાત્રી મેળાનો થયો પ્રારંભ