રાજકોટ : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના પર્વને લઈને અનોખું આયોજન કરવામાં આવ્યું છે.. રાજકોટમાં તારીખ 8 થી 12 નવેમ્બર સુધી અલગ અલગ કાર્યક્રમ યોજાશે. જેમાં આજે દિવાળી ઉત્સવ એટલે કે કાર્નિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
દિવાળી કાર્નિવલનું લોકાર્પણ : આગામી દિવસોમાં રાજકોટ શહેરના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે અને રંગોળી સ્પર્ધા પણ યોજાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સભા સાંસદ રામ મોકારિયાના હસ્તે રાજકોટમાં દિવાળી કાર્નિવલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજથી પાંચ દિવસ ઉત્સવનો માહોલ : જ્યારે આ અંગે રાજ્યસભાના સાંસદ એવા રામ મોકરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો ઉત્સવ એટલે કે દિવાળીનો ઉત્સવ આવી રહ્યો છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાને દ્વારા દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ વર્ષે પણ શહેરમાં મનપા દિવાળી કાર્નિવલ યોજાયો છે. તેમજ ધનતેરસના દિવસે રાજકોટમાં ભવ્ય આતસબાજી સહિતના કાર્યક્રમ યોજાશે. જ્યારે જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે મનપા દ્વારા આ આયોજન કરવામાં આવે છે. તેમજ અંધકારમાંથી રોશની તરફ ઉજવવાનો આ એક અનોખો પ્રયાસ છે...રામ મોકરીયા ( રાજ્ય સભા સાંસદ )
ધનતેરસે ભવ્ય આતસબાજી યોજાશે : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી નિમિત્તે રોશની સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એવામાં આ વર્ષે પણ દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના રેસકોસ રીંગરોડ ફરતે અવનવી રોશની કરવામાં આવી છે. આ સાથે જ ધનતેરસના દિવસે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતસભાજી યોજાશે. જ્યારે ચિત્રનગરી દ્વારા શહેરના રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 1 હજાર જેટલા ચિત્રકારો ભાગ લેશે અને અનોખી રંગોળી બનાવશે. રાજકોટમાં આજથી આગામી પાંચ દિવસ સુધી દિવાળીને લઈને ઉત્સવનો માહોલ જોવા મળશે.