રાજકોટઃ કોરોના હોટસ્પોટ વિસ્તારમાં હોબાળોની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મામલો શાંત પાડવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા. જંગલેશ્વર વિસ્તારમાં મોડી રાતે અચાનક વિસ્તારવાસીઓ દ્વારા હંગામો કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. પરંતુ ટોળા દ્વારા વિસ્તારમાં રાખવામાં આવેલા વાહનોમાં તોડફોડ કરીને મોટું નુકશાન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ વાહનોમાં પણ ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જંગલેશ્વર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનો હંગામો મચાવવામાં આવ્યો હતો. પરંતુ હાલ ટોળુ મોટાપ્રમાણમાં એકઠુ થતા વાહનોમાં તોડફોડ અને પોલીસ વાનમાં તોડફોડની ઘટના સર્જાઈ હતી. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા કેટલાંક લોકોની અટકાયત પણ કરાઈ છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજીત 50 કરતા વધારે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને આ વિસ્તારને વહીવટી તંત્ર દ્વારા હાલ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરાયુ છે. કોરોના હોટસ્પોટ વિસ્તારમાં આ પ્રકારનો હંગામો સર્જાતા રાજકોટના વિસ્તારવાસીઓમાં પણ ચિંતા વધી છે.