રાજકોટ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે વર્તમાન સમયની અંદર ગુજરાતના દરિયાકાંઠા સહિતના વિસ્તારોની અંદર બીપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ બધાની વચ્ચે તંત્ર દ્વારા વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે અને તૈયારીઓ તેમજ પ્રશાસન દ્વારા વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ કલેકટર દ્વારા જિલ્લા પ્રશાસનની કામગીરી અંગેની માહિતીઓ આપી છે.
તંત્ર સતત ખડેપગે: રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લા પ્રશાસન વાવાઝોડાની તૈયારીઓમાં સતત ખડેપગે છે અને એલર્ટ પણ છે. તમામ કર્મચારીઓની રજાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે આ સાથે જ કર્મચારીઓને 24 કલાકની ઓન ડ્યુટીના પણ ઓર્ડરો આપવામાં આવ્યા છે. આ સાથે અમે એ.સો.પી. પ્રમાણે કામગીરીઓ પણ કરી રહ્યા છે અને એમનું પણ ધ્યાન રાખી રહ્યા છીએ તેવું જણાવ્યું છે. આ સાથે જ હોસ્પિટલ પોલીસ સ્ટેશન તેમજ તમામ ઇમર્જન્સી માટે તમામને એલર્ટ મોડ પર પણ રાખી દેવામાં આવ્યા છે તેવું જણાવ્યું છે.
અન્ય જિલ્લાઓને મદદ માટે રાજકોટ તૈયાર: રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તમામ બાબતોની રાજકોટ જિલ્લા પ્રશાસન અમલાવરી કરી રહ્યું છે અને રાજકોટએ સૌરાષ્ટ્રનું સેન્ટર પોઇન્ટ છે. બીજા જિલ્લાઓને પણ મદદ કરવા માટે અને કોઈપણ પ્રકારની મદદ કરવા માટે જે કાંઈ જરૂર પડશે તે તમામ તૈયારીઓથી તંત્ર સજ્જ છે. જ્યારે પણ જે ટીમની જરૂર પડશે તેમના માટે પણ પૂરતી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે તેવું રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે.