રાજકોટ: બિપરજોય નામનું વાવાઝોડું બસ હવે ગણતરીની કલાકોમાં જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના દરિયા કિનારે ટકરાશે. વાવાઝોડાને પગલે તેની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. રાજકોટમાં વહેલી સવારથી જ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ધીમીધારે વરસાદ પણ શરૂ થયો છે. આગામી સમયમાં ભારે વરસાદ આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
શાળા-કોલેજોમાં રજા જાહેર: રાજકોટનું માર્કેટિંગ યાર્ડ, સોની બજાર સહિતની વિવિધ બજારો પણ બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાને પગલે શાળા-કોલેજોમાં પણ વહીવટી તંત્ર દ્વારા રજાઓ જાહેર કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્પોરેશન અને વહીવટી તંત્ર ખડેપગે જોવા મળી રહ્યું છે.
વહીવટી તંત્ર સજ્જ: રાજકોટ એરપોર્ટને બે દિવસ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ફ્લાઇટને અહીંથી ઉડાન ભરવા દેવામાં આવશે નહીં અને માત્રને માત્ર રેસક્યુ ટીમ માટે જ આ એરપોર્ટ બે દિવસ માટે રિઝર્વ રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના કોઇપણ વિસ્તારમાં જો મદદની જરૂર હશે તો રાજકોટથી NDRFની ટીમ રવાના થશે. આજની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. એવામાં શહેરીજનો પણ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
NDRFની ટીમ ફાળવાઈ: શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી વોર્ડ ઓફિસોને બે દિવસ માટે 24 કલાક ખુલ્લી રાખવામાં આવશે. 24 કલાક કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે. જેના કારણે શહેરમાં વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય. આ સાથે જ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે કે બે દિવસ માટે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, તેમજ પોતાના મોબાઈલ સહિતની વસ્તુઓ ચાર્જ રાખવી અને સૂકો નાસ્તો સાથે રાખવો. વાવાઝોડાની અસર વધુ થાય તેવી શક્યતાઓ છે જેને પગલે અહીંયા NDRFની એક એક ટીમને ફાળવાઈ છે.