રાજકોટ: ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. એવામાં વાવાઝોડાને પગલે કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે તારાજી જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં પણ વાવાઝોડાને પગલે અંદાજિત 150 કરતા વધુ વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. ચક્રાવત વચ્ચે એક ચા વાળાનો ગુજરાતી ગીતો લલકારતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
ગીતો લલકારતા એક ચા વાળાનો વીડિયો વાયરલ: સૌરાષ્ટ્રમાં સોશિયલ મીડિયામાં એક ચા વાળાનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ચા વાળો ગુજરાતીમાં ગીત લલકારી રહ્યો છે અને ચા પણ બનાવીને વહેંચી રહ્યો છે. વાવાઝોડાની વચ્ચે આ ચા વાળાનો ગુજરાતી ગીત લલકાર તો વિડીયો વાયરલ થતાં લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.
ભારે વરસાદ: બિપરજોય વાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લામાં પણ ગત મોડી રાત્રેથી હાલ પણ દિવસ દરમિયાન સતત ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટમાં અત્યાર સુધીમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો રાજકોટના ઉપલેટામાં 6 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ અને જામકંડોળામાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
100 કરતાં વધારે વૃક્ષો ધરાશાયી: રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસમાં 100 કરતાં વધારે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ તમામ વૃક્ષોને હાલ કોર્પોરેશનની ટીમ દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં સર્વે માટે તંત્ર દ્વારા 103 જેટલી ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં સર્વે કરીને રાજકોટ જિલ્લામાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાશે.