રાજકોટ: ગોંડલ સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે 110 કિમી પ્રતિક્લાકની ઝડપે ચાલતી એમ્બ્યુલન્સમાં રિલ્સ બનાવી હતી. તેમની આ રિલ્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે. આ મામલામાં ગોંડલ પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ડ્રાઇવરે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે ચાલુ એમ્બ્યુલન્સ બાજુમાં બેસેલા વ્યક્તિ પાસે રીલ્સ બનાવી હતી.
ડ્રાઇવર રિલ્સ બનાવવામાં વ્યસ્ત: ગોંડલ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવર પિયુષ પ્રવિણ મુછડીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પિયુષે એમ્બ્યુલન્સ ચલાવતા ચલાવતા રિલ્સ બનાવી હતી. આ રિલ્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકો પોતાની રીતે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. દર્દીને સારવાર માટે ગોંડલથી રાજકોટ હોસ્પિટલ લઈ જતા હતા. એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સાઇરન ચાલુ હતું. ડ્રાઈવર રાત્રિના અંધારામાં એમ્બ્યુલન્સ 110 કિમી પ્રતિકલાકની ઝડપે ચલાવતો હતો. પુરપાટ ઝડપે ચાલતી એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર રિલ્સ બનાવવામાં વ્યસ્ત હતો.
વાયરલ વીડિયો પંદર દિવસ પહેલાનો: એમ્બયુલન્સ ડ્રાઇવર પિયુષને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી હતી. તેણે જણાવ્યું કે વાયરલ વીડિયો પંદર દિવસ પહેલાનો છે. રાત્રિના આશરે સાડા અગિયારેક વાગ્યાના સમયે પોતે ગોંડલ સરકારી હોસ્પિટલથી દર્દી લઇને રાજકોટ સરકારી હોસ્પિટલ જતા રસ્તામાં રિલ્સ બનાવી હતી. આશાપુરા ચોકડીથી ભોજપરા ગામની વચ્ચે મેં મારી સાથે બાજુની શીટમાં બેસેલા શ્યામ ઉર્ફે કાનાભાઇ ગોરધનભાઇ નૈના (રહે.રાજકોટ) મારફતે વીડિયો બનાવી પોતે સોશિયલ મીડિયામાં મૂકી હતી.
એમ્બ્યુલન્સ ડ્રાઇવર સસ્પેન્ડ: આ સમગ્ર મામલો ગોંડલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.આર.એચ.ભાલાળાના ધ્યાનમાં આવ્યો હતો. તેમણે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને તાત્કાલીક અસરથી છુટો કરી દીધો હતો. એમ્બ્યુલન્સ કોન્ટ્રાક્ટ એજન્સીને પણ પિયુષની બેદરકારી અંગે જાણ કરી હતી. આ રિલ્સ 7 સપ્ટેમ્બરે વાયરલ થઇ હતી. ત્યારબાદ તેને નોટિસ આપવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરે તેને ફરજમુક્ત કરવામાં આવ્યો હતો.