- ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ એઝાઝને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
- ખેરવા ગામના પાટિયા પાસેથી વોચ ગોઠવી
- એઝાઝ સામે 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે
રાજકોટ : તાજેતરમાં પ્રનગર પોલીસમાં ભીસ્તીવાડની કુખ્યાત ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, ગેંગ લીડર એઝાઝ ઉર્ફે ટકો પોલીસને ચકમો આપીને નાસતો ફરી રહ્યો હતો.તે દરમિયાન એઝાઝ વાંકાનેરથી રાજકોટ તરફ આવતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને પગલે ખેરવા ગામના પાટિયા પાસેથી વોચ ગોઠવી ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત એઝાઝને ઝડપી લીધો હતો. આ આરોપી વિરૂધ્ધ આર્મ્સ, હત્યાની કોશિષ, દુષ્કર્મ સહીતનાં 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
ઝોન-2 DCP મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી
સમગ્ર બાબતની વિગતો આપવા ઝોન-2 DCP મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યા મુજબ, શહેરમાં ગેંગ બનાવી ગંભીર ગુનાઓને અંજામ આપતા તેમજ ખૂબ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યુ છે. જે અંતર્ગત તાજેતરમાં ભીસ્તીવાડ વિસ્તારની કુખ્યાત ખિયાણી ગેંગનાં 11 શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એઝાઝ ગુજસીટોક સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ
જેમાં પ્રનગર પોલીસે સરતાજ ઉર્ફે રાજન હમીદભાઈ ખિયાણી, ઇમરાન જાનમહમદ મેણું, માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાનભાઈ જુણાચ, મીરજાદ અકબરભાઈ ઉર્ફે હકુભા ખિયાણી, માજીદ રફીકભાઇ ભાણું, મુસ્તુફા અકબરભાઈ ઉર્ફે હકુભા ખિયાણી, રિયાઝ ઇસ્માઇલભાઈ દલ, રિઝવાન ઇસ્માઇલભાઈ દલ, યાસીન ઉર્ફે ભૂરો ઓસ્માણભાઇ કયડા, શાહરુખ ઉર્ફે રાજા ઓસ્માણભાઇ ઉર્ફે બાબુ જુણાચની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે. પરંતુ એઝાઝ ઉર્ફે ટકો અક્બરભાઈ હકુભા ખિયાણી જે ગેંગ લીડર છે અને આ ગુજસીટોક સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ છે. તે ઘણા સમયથી ફરાર હતો.
2011થી અત્યાર સુધીમાં 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા
આ અંગેની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને એઝાઝ વાંકાનેરથી રાજકોટ તરફ આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જ વાંકાનેર કુવાડવા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન ખેરવા ગામના પાટિયા પાસેથી એઝાઝ પસાર થતા તેને દબોચી લીધો હતો. એઝાઝ ગુજસીટોકના, જુગારના અને મારામારીના પ્રનગર અને એ ડિવિઝનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત એઝાઝ વિરુદ્ધ 2011થી અત્યાર સુધીમાં જુગાર, હથિયાર, મારામારી, રાયોટીંગ, હત્યાની કોશિષ અને દુષ્કર્મ સહિતનાં 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.