ગોંડલઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત છે, ત્યારે ગોંડલનાં વર્તમાન રાજવી પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિહજી તથા મહારાણી કુમુદકુમારીબાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તેમનાં નિવાસસ્થાન હજુર પેલેસમાં જ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
મહારાજા જ્યોતિન્દ્રસિહજીની તબિયત નાંદુરસ્ત જણાતાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ મહારાણી કુમુદકુમારીબાનું પણ મેડિકલ ચેકઅપ બાદ તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં બન્નેને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતાં.
આરોગ્ય તંત્ર દ્વારા યુવરાજ હિમાંશુસિંહજી ઉપરાંત પેલેસના અંદાજે 35 જેટલા વ્યક્તિના સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ ETV ભારતને જણાવ્યું હતું કે, મહારાજા અને મહારાણીનું હાલ સ્વાસ્થ્ય સારું છે. તેમજ આખા પેલેસને ગોંડલ નગર પાલિકા દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ ગોંડલ મહારાજા જ્યોતિન્દ્રસિંહજી અને યુવરાજ હિમાંશુસિંહજીએ મંગળવારે કોરોના દર્દીઓને ઝડપી સારવાર મળે અને દર્દીઓને ગોંડલથી રાજકોટ ખસેડવામાં માત્ર નગરપાલિકાની એક જ એમ્બ્યુલન્સ હોવાથી કોરોનાની ગંભીરતા સમજી તેમણે પોતાની ઇનોવા કાર આરોગ્ય વિભાગને એમ્બ્યુલન્સ માટે ઉપયોગમાં લેવા ભેટ આપી હતી. મહારાજા તથા મહારાણીના રિપોર્ટ પોઝિટિવ આવતાં નગરજનોમાં ચિંતાનું મોજું ફેલાયું ગયું હતું.