રાજકોટ: એક તરફ વડતાલના સ્વામિનારાયણ સંસ્થાના સાળંગપુર મંદિર ખાતેના હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો મામલે વિવિધ સમાજ સંગઠનો અને સાધુ સંતો મહંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવામાં બીજી તરફ કાલાવડ રોડ ઉપર આવેલા BAPS સંસ્થાના અપૂર્વમુની સ્વામીનો સીતા માતા વિરુદ્ધ વિવાદિત નિવેદન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ETV ભારત આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
શું કહ્યું છે અપૂર્વમુની સ્વામીએ:
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુની સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અપૂર્વમુની સ્વામી જણાવી રહ્યા છે કે માતા સીતાજીએ ભગવાન શ્રીરામના નાના ભાઈ એવા લક્ષ્મણને જ કહ્યું હતું કે તું 13 વર્ષથી એટલા માટે અમારા સાથે ફરે છે કારણ કે રામ મૃત્યુ પામે ત્યારબાદ હું તારી સાથે લગ્ન કરીશ.
BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ વિવાદમાં: જો કે બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીનો આ પ્રકારના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચકચાર મચી જવા પામી છે. જ્યારે હાલમાં સાળંગપુર ખાતે હનુમાનજીના વિવાદિત ચિત્રો મુદ્દે રાજ્યભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવામાં હવે BAPS સ્વામિનારાયણ સંસ્થાના અપૂર્વમુનીનો વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. જેને લઇને હવે BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ વિવાદોમાં આવી છે
રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ: સાળંગપુર હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. એવામાં સનાતન ગ્રુપના યુવાનોએ રાજકોટના ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા બાલાજી મંદિર ખાતે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આ યુવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ચિત્રોને તાત્કાલિક દૂર કરવામાં આવે, જો આ હનુમાનજીના વિવાદિત ચિત્રોને દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે સાળંગપુર ખાતે જઈને ઉગ્ર વિરોધ કરશું.