રાજકોટઃ અનલોક 2 દરમિયાન કેટલીક છૂટછાટો મળતા કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. તેમજ વાઈરસ ખૂબ જ ફેલાઇ રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ગુરૂવારે 7 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છ દર્દીઓ તેમજ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના મોત થયા છે
મૃત્યુ પામેલા દર્દીઓમાં સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, વાંકાનેરના દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યારે ગુરૂવારે બપોર સુધીમાં રાજકોટમાં વધુ 34 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોમાં અત્યારસુધીમાં 775 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે હજુ પણ 407 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે, પરંતુ હાલ રાજકોટમાં સતત કોરોનાનો આંક વધી રહ્યો છે. જેને લઇને આરોગ્ય તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાના કારણે હોસ્પિટલો પણ દર્દીઓથી ફૂલ થઇ છે.