- રાજકોટના 18 વોર્ડમાં 72 બેઠકો માટે ચૂંટણી
- મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બેઠક યોજાઇ
- મનપાની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી પણ સક્રિય
રાજકોટઃ ગુજરાતમાં આગામી દિવસોમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. રાજકોટના 18 વોર્ડમાં 72 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જેને હાલ મનપાની ટર્મ પૂર્ણ થયાની સાથે ભાજપ કોંગ્રેસ સાથે મોટાભાગના પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે જ રાજકોટ મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે આજે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ઈન્ચાર્જ અને સૌરાષ્ટ્રના એવા પ્રભારી જીતેન્દ્ર બધેલ ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીને લઈને આગામી બે દિવસ સુધી ચાલશે બેઠક
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે બેઠક યોજવામાં આવી હતી. જે આવતીકાલે પણ યોજાશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના પ્રભારી સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા મનપાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના નામની યાદીની પ્રક્રિયાઝ તેમજ હાલની શહેર કોંગ્રેસની પરિસ્થિતિ, આગામી ચૂંટણીની રણનીતિ સહિતની ચર્ચાઓ કરશે. આ બેઠકમાં રાજકોટના 1થી 18 વોર્ડના તમામ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે અને ચૂંટણી અંગેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આમ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે.
રાજકોટ મુખ્યપ્રધાનનું હોમટાઉન
સૌરાષ્ટ્રનું પાટનગર એવું રંગીલું રાજકોટ એ વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમટાઉન છે. જેને લઈને ભાજપ માટે રાજકોટ મનપા જીતવી એ પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ જ્યારથી જ મનપાની સ્થાપના થઇ ત્યારથી માત્ર એક જ વખત શાસનમાં આવ્યું છે. જેને લઈને રાજકોટ કોંગ્રેસ પણ આ વર્ષે મનપાની ચૂંટણી જીતવા માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાડી રહી છે. જ્યારે આ વર્ષે રાજકોટમાં મનપાની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. જેને ગઈકાલે જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.