રાજકોટ: ગુજરાત વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા રાજકોટની મુલાકાતે હતા. રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા છે તે સમજાતું નથી અને બ્રિજમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે.
ભાજપ સરકાર પર પ્રહારો: આ સાથે જ અમિત ચાવડાએ ચોમાસામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ અને બ્રિજ પર પડી રહેલા ગાબડા અને રાજકોટ અમદાવાદ મામલે પણ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. એવામાં આજે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રાજકોટની મુલાકાતે આવતા એવું લાગી રહ્યું છે કે લોકસભાની ચટણી પહેલા હવે કોંગ્રેસ એક્ટિવ થઈ છે.
'સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોની જે હાલાકી જોવા મળી રહી છે. જેમાં એક તરફ પ્રજા ટેક્સ ચૂકવે છે. લોકોની સુખાકારી માટે તેનું બજેટ ફાળવવામાં આવે તેની પ્રજા આશા અપેક્ષા રાખીને બેઠી છે. બીજી તરફ ચારેય બાજુ ખાડાઓનું રાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે તે પ્રશ્ન હાલ ગુજરાતની જનતા સરકારને પૂછી રહી છે. એક બાજુ બ્રિજ તૂટતા હોય અને ભાજપના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતો હોય, ત્યારે સરકારમાં બેઠેલા આ ભ્રષ્ટાચારીઓને ડામવાને બદલે ક્યાંક ને ક્યાંક તેમના માનીતા લોકોને કેવી રીતના તેમને બચાવવામાં આવે તેની ચિંતા કરતા હોય છે.' -અમિત ચાવડા, નેતા વિપક્ષ
વાવાઝોડાના અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપો: અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ રાજ્યમાં અતિવૃષ્ટિ સર્જાઈ છે. તેમજ સાયકલોનની પણ પરિસ્થિતિ જોવા મળી હતી. એવામાં સરકાર દ્વારા સયકલોનના સમય ગાળા દરમિયાન જે જાહેરાતો કરવામાં આવી હતી તે તાત્કાલિક ચૂકવવામાં આવે, આ સાયક્લોનમાં ખેતીનું નુકસાન, જમીનોનું ધોવાણ, ઘણાં લોકોના મકાનો તૂટી ગયા છે અને ઘરવખરીને પણ નુકસાન છે, તેમજ બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન છે છતાં પણ એવી કોઈ પણ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી નથી તેમને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે.