રાજકોટ: ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ફાઇનાન્સના હપ્તા ઉઘરાવવા માટે આવેલા શખ્સોએ ભાજપના ભાયાવદર યુવા પ્રમુખ અને વેપારી ઉપર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. વસૂલી કરવા માટે આવેલા વ્યક્તિઓ તેમજ તેમની સાથે આવેલા અન્ય વ્યક્તિઓ દ્વારા ગાળાગાળી કરી, મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનું સામે આવ્યું છે. ભાયાવદર પોલીસ મથકમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
વસૂલી કરવા માટે આવેલા શખ્સોએ હુમલો કર્યો: આ અંગે ભાયાવદર યુવા ભાજપ પ્રમુખ અને ભાયાવદરમાં મોબાઇલની દુકાન ધરાવતા હાર્દિક ગીરીશભાઈ રામાણીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાયાવદર શહેરના બસ સ્ટેન્ડ પાસે મોબાઇલની દુકાન ધરાવે છે જેમાં તેમને ફાઇનાન્સ પર લીધેલ વસ્તુનો હપ્તો ચુકી જતા હપ્તાની વસૂલી કરવા માટે આવેલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
'તેઓ પોતાની દુકાન પાસે હતા ત્યારે જાહેર રસ્તા ઉપર અચાનક ચાર જેટલા મોટરસાયકલ ડબલ સવારીમાં આવેલ અને પ્રથમ બે વ્યક્તિઓ કે, જેમાં કલ્પેશ બારોટ તથા મયંક વાડોદરિયા જે બંને ઉપલેટા રહે છે. તેમને ફરિયાદીને પકડી જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવમાં બાદમાં પાછળથી પ્રકાશ ઉર્ફે કારો જોગલ જે પણ ઉપલેટા રહે છે તેને પણ તેમની સાથે આવેલા પાંચ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પકડી રાખી આડેધડ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી.' - હાર્દિક રામાણી, વેપારી
અલગ કલમો હેતાહદ ફરિયાદ નોંધાઈ: ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ફાઇનાન્સ પર લીધેલી વસ્તુનો રૂપિયા 2400 નો હપ્તો ભરવાનો બાકી હતો. આ મામલે ભાયાવદર પોલીસ દ્વારા કલ્પેશ બારોટ, મયંક વાડોદરિયા તેમજ પ્રકાશ ઉર્ફે કારો જોગલ નામના વ્યક્તિ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 143, 147, 149 મુજબ ગુનો નોંધી તેમને હસ્તગત કરવા માટેની તજવીજ હાથ કરી છે.