- લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત આવાસ ફોર્મ વિતરણ શરુ
- સાડા ત્રણ લાખ રૂપિયામાં 1144 જેટલા આવાસ થશે તૈયાર
- અરજદારોએ 22 તારીખ સુધી ફોર્મ જમા કરાવી શકશે.
રાજકોટ : શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા શરૂ કરવામાં આવેલા લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત આવાસ ફોર્મ વિતરણની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં સાડા ત્રણ લાખ રૂપિયામાં ફર્નિચર સાથે 1144 જેટલા આવાસ તૈયાર થવાના છે.
સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
આ પ્રોજેક્ટના ફોર્મ વિતરણની શરૂઆત થતા ફોર્મ વિતરણ સેન્ટર બહાર લોકોની લાંબી લાઇનો લાગી હતી. કોરોના કાળમાં લોકો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. આ ફોર્મ શહેરની ICI બેંક અને મનપાના 6 સિવિક સેન્ટરોમાં વિતરણ કરવામાં આવશે. આધુનિક ટેક્નોલોજીથી તૈયાર થનાર આ આવાસ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્શિવાદ રૂપ સાબિત થશે. જેમાં સાડા ત્રણ લાખ રૂપિયામાં ફર્નિચર સાથે 1144 જેટલા આવાસ તૈયાર થવાના છે. જ્યારે અરજદારોએ 22 તારીખ સુધી ફોર્મ જમા કરાવી શકશે.
સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોમાં રાજકોટનો સમાવેશ
કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલી છે. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.
જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવાશે
ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી MOUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ)ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.
બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરાશે
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસે રૂ. 4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (40.00 ચો.મી.) પ્રકારના 1144 આવાસો (G+13)નું નિર્માણ કરવામાં આવનાર છે.
લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે
રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નંબર 32માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોવાથી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવશે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.