રાજકોટ : ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં એફઆઇઆર દાખલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની કોંગ્રેસ ચીમકી આપી છે. હુમલા અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. કોગ્રેસ પ્રમુખે ગેરકાયદેસર LDO મુદ્દે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી.
ગોંડલ શહેર અને તાલુકામાં એલડીઓનુ ગેરકાયદેસર વેચાણ થાય છે. કોંગ્રેસ પ્રમુખે સરકારમાં અનેક રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા છેલ્લે આત્મવિલોપનની ચીમકી આપી હતી. પોલીસ અને સરકારે આરોપીઓને છાવર્યા છે. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી નથી. જેથી કોંગ્રેસ પોલીસ સામે ઉગ્ર આંદોલન કરશે. - જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા
માથાભારે તત્વો દ્વારા બેફામ વેપાર ચાલી રહ્યો : ગોંડલ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી એલડીઓ નામનાં પ્રદુષણ ફેલાવતાં ઈંધણનો કોઈ રોકટોક વગર ગેરકાયદેસર રીતે વાહનોમાં ઉપયોગ થઈ રહ્યો છે. કેમીકલયુક્ત ઈંધણ પર્યાવરણને નુકસાનકર્તા હોવા છતાં ગોંડલ પંથકમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા ઠેર-ઠેર બેફામ વેપાર ચાલી રહ્યો છે. અનેક રજૂઆતો કરવાં છતાં તંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહેલા એલડીઓ પંપ અંગે કોઈ પગલાં લેવાયા નથી.
ગોંડલમાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગોંડલ તાલુકામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. કોંગ્રેસ લોકોનો અવાજ ઉઠાવી રહી છે. આશિષની પોલીસ ફરિયાદ લેતી નથી. પોલીસ ફરિયાદીને દબાવી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે. - જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂત