રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરના અંદાજિત 17,000 જેટલા સસ્તા અનાજના દુકાનના વેપારીઓ છેલ્લા બે દિવસથી હડતાળ ઉપર હતા. જ્યારે તેમની મુખ્ય માંગણી રૂપિયા 20,000નું કમિશન સહિતની કેટલીક પડતર માંગણીઓ પણ હતી. જેને લઈને સસ્તા અનાજના વેપારીઓએ આ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. પરંતુ તેનું નિરાકરણ નહીં આવતા છેલ્લા બે દિવસથી આ વેપારીઓએ દુકાનો બંધ રાખીને હડતાળ શરુ કરી હતી. જેને લઇને આ મામલે રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. તેમની માંગણી સ્વીકારતા અંતે વેપારીઓએ હડતાળ સમેટી લીધી હતી. જેને લઈને આવતીકાલ રવિવારે પણ સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રહેશે.
શું હતી માંગ ? આ મામલે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના દુકાનધારકો મારફતે કાર્ડ ધારકોને સમયસર પુરવઠો મળી રહે, તે માટે રાજ્ય સરકાર અને પુરવઠા વિભાગ સતત ચિંતિત હોય છે. ત્યારે દરેક કાર્ડ હોલ્ડરને સમયસર અનાજનો જથ્થો મળે તે માટેની વ્યવસ્થા પણ અમે ગોઠવી લીધી છે. પરંતુ રાજ્યના વ્યાજબી ભાવના એસોસિએશનની લાંબા સમયથી કેટલીક પડતર માંગણીઓ હતી.
છેલ્લા બે દિવસથી સસ્તા અનાજના દુકાનધારકોની જે પણ માંગણી હતી. તે મામલે પુરવઠા વિભાગ અને મુખ્યપ્રધાન પરામર્શમાં હતા. ત્યારે આ મામલે અમે નિર્ણય કર્યો છે કે, લઘુતમ કમિશનની રૂ. 20,000ની માંગ અમે સ્વીકારી છે. -- કુંવરજી બાવળિયા (કેબિનેટ પ્રધાન)
વેપારીઓની હડતાળ : વારંવાર મુખ્યપ્રધાન અને અમારા સુધી રજૂઆતો લઈને આ એસોસિએશન આવતું હતું. જેને લઈને અમે પણ પડતર માંગણીઓને કઈ રીતે હકારાત્મક રીતે લઈ શકાય તે અંગે વિચાર વિમર્શ સતત કરતા હતા. પરંતુ 1 સપ્ટેમ્બરથી સસ્તા અનાજના વેપારીઓ દ્વારા આ અનાજનો પુરવઠો ગોડાઉનમાંથી નહિ ઉપાડવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત જ્યાં સુધી માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી હડતાળની જાહેરાત કરી હતી.
સરકારનો નિર્ણય : કુંવરજી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રૂ. 20,000ના કમિશનમાં કાર્ડ હોલ્ડરની ઘટતી રકમ આપવા માટેનો સૈદ્ધાંતિક નિર્ણય અમે કર્યો છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને અંદાજિત રૂ. 35 કરોડની વાર્ષિક રકમ કમિશન પેટે ચૂકવવાની થશે. જ્યારે રાજ્ય સરકારના નિર્ણયને પણ સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. આથી હવે હડતાળ સમેટી લેવામાં આવી છે. જેને લઈને આવતીકાલે રવિવારના દિવસે પણ સસ્તા અનાજની દુકાનો શરૂ રાખવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં આવનાર જન્માષ્ટમીના તહેવારમાં લોકોને મુશ્કેલી ન સર્જાય.