રાજકોટ: લાખાજી રોડ ઉપર આવેલી એક સાડીની દુકાનમાં બે મહિલાઓએ દુકાનમાંથી દુપટ્ટાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે હજુ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી પરંતુ સોશિયલ મીડિયામાં સાડીની દુકાનમાંથી દુપટ્ટાની ચોરી કરતી મહિલાનો સીસીટીવી વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને અન્ય વેપારીઓ પણ સાવચેત બન્યા છે.
વેપારીનું ધ્યાન ભટકાવી કરી ચોરી: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના લાખાજી રોડ ઉપર મોટા પ્રમાણમાં કપડાની માર્કેટ આવેલી છે. આ કપડાની માર્કેટમાં શાલીમાર કોમ્પલેક્ષની અંદર હરદેવ નામની સાડીની દુકાન આવેલી છે. આ સાડીની દુકાનમાં એક મહિલા વેપારી પાસેથી સાડી અંગેની વાતચીત કરી વિવિધ સાડીઓ જોઈ રહી હતી. એવામાં તેજ સમયે બે મહિલા પાછળથી દુકાનમાં આવે છે અને વેપારી સાથે વાતચીત કરે છે. વેપારીનું ધ્યાન ના હોય તેવી રીતના પોતાની બેગમાં દુપટ્ટો નાખે છે અને ખૂબ જ સરળતાથી આ દુકાનમાંથી બહાર જતી રહે છે.
વેપારીએ લોકોને કરી અપીલ: ઘટનાને લઈને દુકાનના વેપારી જયેશભાઈએ બજારના અન્ય વેપારીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે જે મહિલાએ તેમની દુકાનમાંથી ચોરી કરી છે તે દુપટ્ટાની કિંમત ₹3,500 છે. જ્યારે આવી કોઈ મહિલા જો તમારી દુકાનમાં આવે તો સાવચેત રહેવું ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ બજારમાં મહિલાઓ દ્વારા દુકાનમાંથી દુપટ્ટાની ચોરી કર્યાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે.
તહેવારોના દિવસોમાં ભીડમાં બની ઘટના: આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમીનો તહેવાર આવનાર છે. એવામાં હાલ બજારમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે. લોકોની ભીડ વચ્ચે આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.