રાજકોટ : તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. આ ભરતી અંતર્ગત વિવિધ વર્તુળ કચેરી દ્વારા પોલ ટેસ્ટ યોજવામાં આવી હતી. જ્યાં અન્યાય થયો હોવાની બાબતમાં ઉમેદવારો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે તપાસ બાદ ભરતીમાં ક્ષતિ માલુમ પડતા પ્રક્રિયા રદબાતલ કરવામાં આવી છે.
વિદ્યુત સહાયક ભરતીમાં ક્ષતિ : આ ભરતીના ઉમેદવાર સંકેત મકવાણાએ જણાવ્યું છે કે, તંત્ર દ્વારા લેવાયેલી પોલ ટેસ્ટિંગ પરીક્ષામાં મનમાની સાથે કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે ઉમેદવારોને તકલીફ થઈ હતી. જેથી આ તકલીફને લઈને તેમના દ્વારા સરકારના વિવિધ વિભાગ તેમજ સરકારમાં રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પરિણામે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને સમગ્ર બાબતે ન્યાયિક કામગીરી કરવામાં આવી હોય તેવું જણાવવામાં આવ્યું છે.
શું હતો મામલો ? આ ભરતી પ્રક્રિયામાં કેટલાક ઉમેદવારો દ્વારા કચેરીને રજૂઆત કરવામાં આવી છે કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરી ખાતે યોજવામા આવેલ પોલ ટેસ્ટ પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નથી. ત્યારે આ બાબતે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં સમગ્ર બાબતમાં ક્ષતિ ધ્યાનમાં આવતા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર ભરતીમાં ક્ષતિ માલુમ પડતા પ્રક્રિયા રદબાતલ કરી છે.
ભરતી પ્રક્રિયા રદ : તપાસ બાદ હકીકતને ધ્યાનમાં રાખીને રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરી હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સક્ષમ અધિકારીની સૂચનોને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દબાતલ જાહેર કરવામાં આવી છે.
હવે આગળ શું ? નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સાથે જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હોય તે જ ઉમેદવારો અહીં ઉપસ્થિત રહી શકશે. આ અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.