રાજકોટ : આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવનાર છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાના પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. નિદત બારોટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
નિદત બારોટે કર્યો ખુલાસો : ત્યારે આ મામલે ડો. નિદત બારોટે મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટ મોરબી વચ્ચે મુલાકાત થઈ હતી. મે સી આર પાટીલ સાથે કોઈપણ પ્રકારની બેઠક યોજી નથી અને અચાનક ભેગા થઈ ગયા હતાં અને જેનો આ વિડીયો વાયરલ થયો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને કોઈ વ્યક્તિગત રીતે મળવાનું થયું નથી. સી આર પાટીલ રાજકોટથી મોરબી વચ્ચેના રોડ ઉપર હતા અને અન્ય સ્થળે જવાના હતાં. જ્યારે પાટીલ જે જગ્યાએ હાજર હતા તે જાહેર સ્થળની જગ્યા હતી અને આજુબાજુમાં ઘણા ઘર પણ હતાં. જેના કારણે અમે બહાર રસ્તા ઉપર સામસામે આવ્યા હતાં અને કેમ છો ? કેમ નહીં, એમ સામાન્ય વાતચીત કરી હતી. આનાથી વિશેષ કોઈ પણ વાતચીત કરી નથી અને કોઈ આમાં રાજકીય વાત પણ થઈ નથી અને કોઈ ખાસ ચર્ચા પણ અમે કરી નથી...ડો.નિદત બારોટ ( પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા )
અમે કોઈ પણ રાજકીય ચર્ચાઓ કરી નથી : ડો. બારોટે વધુમાં જણાવ્યું કે હું સી આર પાટીલને અચાનક મળ્યો હતો એટલે કોઈ પણ પ્રકારના વિશેષ આયોજન વગર હું તેમને મળ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં હું દેખાવું છું તે સાચું છે. પરંતુ આ માત્ર એક ઔપચારિક મુલાકાત જેવું હતું અમે કોઈ રાજકીય ચર્ચા કરી નથી. કોંગ્રેસમાં રહીને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10થી વધુ ચૂંટણી લડ્યો છું તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ પદે હું 15 વર્ષ સુધી રહ્યો હતો. ત્યારબાદ મેં સ્વેચ્છાએ સિન્ડિકેટ પદેથી રાજીનામું આપ્યું હતું. મારા સાથી મિત્ર હરદેવસિંહ જાડેજા માટે આ પદ ઉપરથી મેં રાજીનામું આપ્યું હતું. તેમજ હું છેલ્લા 25 વર્ષ કરતાં વધારે સમયથી કોંગ્રેસમાં કાર્યરત છું.
રાજકીય ગરમાવો ફેલાયો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. નિદત બારોટે આટલો ખુલાસો કર્યાં બાદ પણ રાજકીય માહોલમાં હલચલ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રવક્તા અને સીઆર પાટીલ વચ્ચેની મુલાકાતનો વિડીયો સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.