રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઝોનને લોકડાઉન પછી શરૂ કરવાનો આજથી (૧૪-મે) નિર્ણય કરતાં જ રાજકોટના ઉદ્યોગકારો અને કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે વહીવટી તંત્ર દ્વારા એકમો ખોલવા અને આવાગમન માટે પાસની વ્યવસ્થા રાજકોટના વિવિધ 12 ઔદ્યોગિક ઝોન એસોસિએશન અને ચેમ્બરોને કરવામાં આવતા રાજકોટના 10 હજાર જેટલા એકમો ગુરુવારથી જ પુનઃ ધબકતા થયાં છે.
![EtvBharat, Gujarati News, Rajkot News, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-open-industry-av-7202740_14052020140354_1405f_1589445234_620.jpg)
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ અધિકારીઓની ટીમને વિવિધ સ્થળોએ મોકલીને ઉદ્યોગકારોને ત્યાંથી જ પાસ મળી રહે તે માટે સુંદર વ્યવસ્થા કરી છે. ઉદ્યોગકારો દ્વારા બાંહેધરી પત્રક, જી.એસ.ટી. નંબર અને કામદારોના ઓળખપત્રો જમા કરાવી ફોર્મ સ્વીકારી સ્થળ પરથી જ પરમિશન આપવામાં આવી રહી છે.
![EtvBharat, Gujarati News, Rajkot News, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-open-industry-av-7202740_14052020140354_1405f_1589445234_710.jpg)
રાજકોટ આજી જી.આઈ.ડી.સી સહીત વિવિધ સ્થળે ઉદ્યોગકારો પાસ મેળવવા ઉત્સાહભેર જોવા મળી રહ્યા છે. આજી જી.આઈ.ડી.સી ઈન્ડસ્ટીઝ ઝોનમાં 525 એકમો કાર્યરત છે, મોડી રાત્રી અથવા શુક્રવાર સુધીમાં તમામને પરમિશન આપી દેવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કામદારો અને પરપ્રાંતીય મજૂરો વતન જવા માંગતા હતા તે હવે રોજી રોટી મળવાનું શરુ થતાં અહીં જ રોકાઈ જશે અને રાજકોટનું ગ્રોથ એન્જીન પુરપાટ ગતિએ દોડશે.
![EtvBharat, Gujarati News, Rajkot News, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-open-industry-av-7202740_14052020140354_1405f_1589445234_12.jpg)
ઉલ્લેખનીય છે કે, રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનના 10,583 નાના મોટા એકમો છે, હાલ મંજૂરી મળી રહેલા એકમો સોશિયલ ડિસ્ટન્સીન્ગ, સેન્ટાઇઝર, થર્મલ ગન અને ફેક્ટરી સૅનેટાઇઝર ઇકવીપમેન્ટ સાથે શરૂ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ઉદ્યોગ ધંધા શરૂ કરવાની કાર્યવાહી જોશભેર ચાલી રહી છે, ત્યારે આજથી જ ઈન્ડસ્ટ્રીઝમાં મશીનોની ઘરઘરાટી અને કામદારોનું આવાગમન પહેલાની જેમ જ જોવા મળ્યું હતું.
![EtvBharat, Gujarati News, Rajkot News, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-open-industry-av-7202740_14052020140354_1405f_1589445234_540.jpg)